અરવલ્લી: રામપુરમાં યુવતીના શંકાસ્પદ મોત બાદ પિયરિયાઓએ સાસરીમાં જઈ ઘર સળગાવ્યું, પથ્થરમારામાં 14 પોલીસકર્મી ઘાયલ
માલપુરના રામપુર ગામે સાસરિયામાં મનીષા નામની યુવતીનું મોત થયું હતું. મોત બાદ પિયર પક્ષ તરફથી હત્યા કર

માલપુરના રામપુર ગામે સાસરિયામાં મનીષા નામની યુવતીનું મોત થયું હતું. મોત બાદ પિયર પક્ષ તરફથી હત્યા કરવામાં આવી હોય તેવી શંકા રાખીને લાકડીઓ અને લોખંડની પાઈપ લઈ મનીષાની સાસરીમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચી હતી. જ્યાં પિયરિયાઓએ પોલીસના કાફલા પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં પાંચ પોલીસ અધિકારીઓ અને નવ પોલીસ કોન્સ્ટેબલોને નાની મોટી ઇજાઓ થઈ હતી. આ મામલામાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે.
2 સપ્ટેમ્બરના રોજ યુવતીનું મોત થયું હતું
પ્રાપ્ત માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના માલપુરના રામપુર ગામમાં ગત 2 સપ્ટેમ્બરના રોજ મનીષા નામની મહિલાનું સાસરિયામાં શંકાસ્પદ મોત થયું હતું. આ અંગે પોલીસને જાણ કરતા રામપુર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને મતૃદહેને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
જોકે, 3 સપ્ટેમ્બરના રોજ હત્યાની શંકા રાખી પિયરિયાઓએ લાકડીઓ અને લોખંડની પાઇપો લઈ સાસરિયામાં ગયા હતા. જ્યાં તેમણે હોબાળો મચાવ્યો હતો. સમગ્ર બાબતે માલપુર પોલીસને જાણ કરતા પોલીસે જિલ્લા પોલીસ વડાની મંજૂરીથી જિલ્લાની બીજી પોલીસ મંગાવીને રામપુર બંદોબસ્તમાં ગયા હતા. વાતાવરણ તંગ હોવાના કારણે નાથાવાસના ગામ લોકોને પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પિયારીયાઓ વધુ ઉગ્ર બન્યા હતા અને પોલીસને મારી નાખવાના ઇરાદે પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. જેમાં પાંચ પોલીસ અધિકારીઓ અને નવ પોલીસ કોન્સ્ટેબલોને નાની મોટી ઇજાઓ થઈ હતી.
પોલીસે 27 નામજોગ અને 200ના ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
પોલીસે મામલો થાળે પાડવા લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું. આરોપી રણછોડ ખાંટ, રિતેશ ખાંટ અને અન્ય લોકોએ મેઘરજ પોલીસ સ્ટેશનની સરકારી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. મૃતક મનીષાના સસરાના ઘર પર ચડી તોડફોડ કરી ઘરને આગ લગાડી હતી. સાથે ઘરમાં રાખેલા 50 હજારની પણ ચોરી કરી હતી. જેમાંથી 8 લોકોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. જે બાદ પોલીસે 27 નામજોગ અને 200ના ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.








