સ્ટાફ નર્સની ભરતીમાં ગોલમાલ? GTUએ આરોગ્ય વિભાગને સોંપ્યો રિપોર્ટ
ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. આ

ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. આરોગ્ય વિભાગની વર્ગ-3ની સ્ટાફ નર્સની ભરતી માટે 9 ફેબ્રુઆરી, 2025એ લેવામાં આવેલી પરીક્ષામાં આન્સર કીમાં ક્રમબદ્ધ 100 પ્રશ્નોના સાચા જવાબ ABCD એ પ્રકારે જાહેર થતા આ ભરતીમાં કૌભાંડની આશંકા વ્યક્ત થઇ રહી છે. ત્યારે હવે સમગ્ર મામલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.
આજે વર્ગ-3ની સ્ટાફ નર્સની પરીક્ષા લેનાર GTUએ આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપ્યો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. ઉમેદવારોની જવાબવહી અને માર્કસ સંદર્ભે આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપાયો આવ્યો છે. આ રિપોર્ટમાં જવાબવહીમાં ABCD પેટર્ન ફોલૉવ કરનાર ઉમેદવારોની વિગતો તથા તમામ જિલ્લાના સેન્ટરો પર આ પેટર્ન ફોલોવ થઇ છે કે કેમ અને જો આ પેટર્ન ફોલોવ થઇ છે તો કયા ક્યા ઉમેદવારોએ ફોલોવ કરી છે એ તમામ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પેપર સેટર દ્વારા તૈયાર કરાયેલ વિગતો આ રિપોર્ટમાં નોંધવામાં આવી છે. આરોગ્ય વિભાગ આ રિપોર્ટ બાદ મોટો નિર્ણય લઇ શકે છે.
ગુજરાતમાં સરકારી ભરતીમાં ગેરરીતિની આશંકા
GTU દ્વારા લેવામાં આવેલી આરોગ્ય વિભાગની વર્ગ-3ની 1903 સ્ટાફનર્સની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. પરીક્ષા બાદ જાહેર કરવામાં આવેલી આન્સર કીમાં 100 પ્રશ્નોના જવાબ ક્રમબદ્ધ ABCD ક્રમમાં જ જાહેર થતા પરીક્ષામાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં વિવિધ ભરતીમાં કૌભાંડ
GTU દ્વારા આ પહેલા લેવામાં આવેલી મહેસૂલી તલાટીથી લઇને અનેક સરકારી ભરતી પરીક્ષા કૌભાંડને ભેટ ચઢી ચુકી છે એમ છતાંયે ગૌણ સેવા પસંદગી મંડળને બદલે સરકારના અનેક વિભાગો વર્ગ-3ની જગ્યાઓ માટે GTUની જ પસંદગી કરી રહ્યા છે.
સ્ટાફનર્સની પરીક્ષાને લઇને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
સ્ટાફનર્સની પરીક્ષાને લઇને કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યા છે. મનીષ દોશીએ કહ્યું કે, સરકારને પોતાના મંડળ અને વિભાગ પર વિશ્વાસ જ નથી. આરોગ્ય ખાતા દ્વારા 1903 જગ્યા માટે GTUને જવાબદારી સોપવામાં આવી હતી. પરીક્ષાની આન્સર કીમાં ABCDની પેટર્ન જોવા મળી જે પ્રથમ રીતે શંકા વ્યક્ત કરે છે. અગાઉની 24 જેટલી પરીક્ષાઓમાં ગોલમોલ અને ગોટાળા સરકારની ઓળખ બની છે. સરકારે સમગ્ર બાબતની અંદર તપાસ કરવાની જરૂર છે. સરકાર કૌભાંડ-કાંડમાં ગળાડુબ છે. આ સાથે જ કોગ્રેસે સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.








