મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની સિવિલ હોસ્પિટલ બીમાર, ડાયાલિસિસ માટે આવેલા દર્દી ઉપર સ્લેબના પોપડાં પડતાં ભયનો માહોલ

સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીની સારવાર કરતાં કરતાં પોતે જ બીમાર હોય તેવુ

સુરતની સિવિલ હોસ્પિટલ બીમાર, ડાયાલિસિસ માટે આવેલા દર્દી ઉપર સ્લેબના પોપડાં પડતાં ભયનો માહોલ

સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીની સારવાર કરતાં કરતાં પોતે જ બીમાર હોય તેવું સામે આવી રહ્યું છે. જૂની બિલ્ડિંગમાં પોપડા તેમજ સ્લેબ તૂટવાની કે પડવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવી ગઈ છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઇપણ યોગ્ય નિકાલ લઈને આવતા નથી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં હોવા છતાં પણ તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોયું રહ્યું છે. જેમાં હવે તો હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર લેવા આવેલી મહિલા ઉપર સ્લેબ તૂટીને પડતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલના G-0 વોર્ડમાં ડાયાલિસિસ દરમિયાન મહિલા ઉપર સ્લેબ તૂટીને પડતાં થોડાક સમય માટે ભાગદોડ મચી ગઇ હતી. સદનસીબે હોસ્પિટલમાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.

અફરા તફરીનો માહોલ સર્જાયો

મૂળ ઉત્તરપ્રદેશના વતની ધર્મેન્દ્રભાઈ મોર્યા હાલ પાંડેસરા હાઉસીંગમાં આવેલ શાંતિવન સોસાયટીમાં પત્ની રાનીદેવી તેમજ 4 સંતાન સાથે રહે છે. ધર્મેન્દ્રભાઈ સ્થાનિક વિસ્તારમાં ચોકલેટ-બિસ્કીટની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ધર્મેન્દ્રભાઈની પત્ની રાનીદેવીને કિડની બીમારી છે. જેથી છેલ્લા બે વર્ષથી નવી સિવિલ હોસ્પિટલમાં તેની ડાયાલિસિસની સારવાર ચાલી રહી છે. રાબેતા મુજબ રાનીદેવી અને તેના પતિ ડાયાલિસિસ માટે હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં જૂની બિલ્ડિંગમાં G-0 વોર્ડમાં તેણીની ડાયાલિસિસની સારવાર ચાલી રહી હતી. તે સમયે ધીરેધીરે ઉપરથી સ્લેબ તૂટીને તેણીના ઉપર પડવા લાગ્યા હતા. જેથી વોર્ડમાં ભયના માહોલ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે નર્સિંગ સ્ટાફે રાનીદેવીને તાત્કાલિક દૂર ખસેડી દીધી હતી. જેથી કોઈ મોટી દુર્ઘટના બનતા ટળી હતી અને રાનીદેવીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

એક્સપર્ટે સ્થળની વિઝિટ કરી

નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી જર્જરિત ઇમારતો તોડી પાડવામાં આવી નથી. તેમજ કોઈપણ આગળની તૈયારીઓ શરૂ કરવામાં આવી નથી. મેધરાજા ધીરે-ધીરે સુરતમાં આગમન કરી રહ્યાં છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલના તંત્રને આ વાતની કોઈ ગંભીરતા નહિ હોય તેમ જોવા મળી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના વડા ડોકટર પ્રીતિ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ ઘટના શુક્રવારે સાંજે બની હતી. ઘટનાને પગલે અમારી ટીમ સ્થળે જઇને આવી છે. તેમજ પીઆઇયુના એક્સપર્ટ પણ સ્થળની વિઝિટ કરી છે. ભવિષ્યમાં કોઈ દર્દીને તકલીફ નહિ થાય તે માટે પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમજ શિફ્ટિંગ માટેની તૈયારીઓ પણ ચાલુ કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો