સુરતમાં શ્રાવણિયા વરસાદના સરવડાં, ભારે ઝાપટાં સ્વરૂપે વરસતા વરસાદથી વાતાવરણમાં ઠંડક છવાઈ
સુરતમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યારે આજે ફરી વરસાદ વર

સુરતમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યારે આજે ફરી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. શ્રાવણ માસના ભારે વરસાદી ઝાપટાથી અમૂક નીચાણવાળા વિસ્તારમા પાણી પણ ભરાઈ ગયા હતા. વાહનચાલકોને હેરાન થવાનો પણ વખત આવ્યો હતો.
ઉધના વિસ્તારમાં વરસાદ વધુ
સુરત શહેરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે અઠવાડિયા પછી વરસાદ વરસ્યો છે. શહેરમાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળાડિંબાગ વાદળો ઘેરાવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સૌથી વધુ વરસાદ ઉધનામાં 1.6 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદની આગાહી
સરથાણા, વરાછા અને લિંબાયતમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. મજૂરા, પુણા, લિંબાયતમાં એકથી 2 ફૂટ પાણી ભરાયાં હતાં, જ્યારે એક માત્ર અઠવા ઝોન કોરોક્ટ રહ્યો હતો. આગામી બે દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં પલસાણામાં પોણા 3 ઇંચ અને કામરેજમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ હતો.








