મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh news: મનપામાં કચરાના નિકાલના નામે કૌભાંડ, એજન્સીને વગર ટેન્ડરે કરોડોનું કામ સોંપી દેવાયું

જુનાગઢ ભાજપ શાસિત મહાનગરપાલિકાના સત્તાધીશોએ કચરાનું કૌભાંડ કરતા ચકચાર મચી છે. ડોર ટ

Junagadh news: મનપામાં કચરાના નિકાલના નામે કૌભાંડ, એજન્સીને વગર ટેન્ડરે કરોડોનું કામ સોંપી દેવાયું

જુનાગઢ ભાજપ શાસિત મહાનગરપાલિકાના સત્તાધીશોએ કચરાનું કૌભાંડ કરતા ચકચાર મચી છે. ડોર ટુ ડોર એકત્ર કરેલા કચરામાંથી કરોડોનું કૌભાંડ આચરાયું છે. મનપાએ કચરાના નિકાલ માટે કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર બારોબાર એક એજન્સીને કામ આપી દીધું હતું. 

કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર બારોબાર કામ આપી દીધું 

જુનાગઢ શહેરમાંથી દરરોજ 120 ટન કચરો એકત્ર કરી અને ઈવનગર સ્થિત ડમ્પિંગ સાઈટ ખાતે સંગ્રહ કરવામાં આવે છે. જાન્યુઆરી 2023થી માર્ચ 2025 એટલે કે કુલ 27 માસનો કચરો એકત્ર થયો છે. 27 માસના 810 દિવસનો 120 ટન લેખે 1.35 લાખ ટન કચરો એકત્ર થવો જોઈએ, પરંતુ તેના બદલે મનપાએ 2.5 લાખ ઘન કચરાનો નિકાલ કરવા માટેના અલગ અલગ બે ટેન્ડર બહાર પાડ્યા છે. એક ટેન્ડરનું કામ વછરાજ અર્થમુવર્સ એજન્સીને ચાર કરોડ રૂપિયા ચૂકવી 1.06 લાખ ટન ઘન કચરાનો નિકાલ કરાવી તેનું બિલ પણ ચૂકવી આપ્યું છે. હવે વધુ 1.29 લાખ ટન ઘન કચરાના નિકાલ માટે કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર બારોબાર વછરાજ એજન્સીને કામ આપી દીધું છે.

આ કામની રકમ પાંચ કરોડથી વધુની છે અને તેનો વર્ક ઓર્ડર પણ એજન્સીને આપી દીધો છે. આ સમગ્ર મામલે વિપક્ષ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે કે જે એજન્સીએ અગાઉ કામ કર્યું છે તેને જ ફરી કામ આપવા માટેનો સ્થાયી સમિતિમાં ઠરાવ થયો, ત્યારબાદ તે એજન્સીને નિયમો અનુસાર કામ ન આપી શકાય તેથી અગાઉ કરેલો ઠરાવ રદ કરવા અને નવું ટેન્ડર બહાર પાડવા પાછો ઠરાવ કરવામાં આવ્યો હતો. 

જેટલો કચરો જ છે નહીં તેનો નિકાલ કેવી રીતે?

જે અનુસંધાને કમિશનરે વહીવટી મંજૂરી આપી દીધા બાદ ટેન્ડર પ્રક્રિયા પણ ઓનલાઇન થઈ ગઈ હતી. ટેન્ડરની ઓનલાઈન સમય મર્યાદા પૂર્ણ થાય તે પહેલા તે ટેન્ડરને રદ કરી ફરી વછરાજ એજન્સીને કોઈપણ જાતની પ્રક્રિયા કર્યા વગર પાંચ કરોડથી વધુના કામનો વર્ક ઓર્ડર આપી દીધો છે. જેથી આ સમગ્ર કૌભાંડમાં પ્રશ્ન ઊભો થયો છે કે 27 મહિનાનો કચરો 1.13 લાખ ટન થાય છે તેના બદલે 2.35 લાખ ટનનો કચરાનો નિકાલ કરવા 10 કરોડથી વધુનું આંધણ શરૂ કરી દીધું છે, જેટલો કચરો જ છે નહીં તેનો નિકાલ કેવી રીતે થાય. માત્ર ખોટા બિલ બનાવી રેકર્ડ પર ઉતારી કૌભાંડ આચરવાની વૃત્તિ છે.

શાસક પક્ષનો લૂલો બચાવ 

આ સમગ્ર મામલે મનપાના કમિશનર કે જવાબદાર પદાધિકારી કંઈ પણ બોલવા તૈયાર નથી. જ્યારે સમગ્ર મામલે શાસક પક્ષના નેતાએ ગોળ ગોળ વાત કહી પોતાના શાસકોનો બચાવ કરતા દાવો કર્યો હતો કે ગ્રીન ટ્રીબ્યુનલના નિયમ મુજબ જો તાત્કાલિક ઘન કચરાનો નિકાલ ન થાય તો મનપાને દંડ થાય તેવી સ્થિતિ હોવાથી ટેન્ડર પ્રક્રિયા વગર કામ આપી દીધું છે પરંતુ આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે ટેન્ડર કર્યા વગર અધધ પાંચ કરોડનુ કામ આપી દીધું છે હવે જેટલો કચરો જ નથી, તેનો વર્ક ઓર્ડર કેવી રીતે આપી શકાય તે અંગેનો કોઈ પાસે જવાબ નથી. આમ જુનાગઢ મનપાના ભાજપના શાસકોએ રેકર્ડ પર કૌભાંડો આચરતા છેક ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા છે. આ સમગ્ર મામલે શહેરી વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો