Video/ સલામ છે આ નારીને! પોતાની દ્રષ્ટિ નથી, પણ 160 દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ કર્યું!
સુરેન્દ્રનગર: આજે જ્યારે સમગ્ર વિશ્વ 'મહિલા દિવસ'ની ઉ


સુરેન્દ્રનગર: આજે જ્યારે સમગ્ર વિશ્વ 'મહિલા દિવસ'ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગરની એક એવી નારીશક્તિની વાત કરવી છે જેમણે પોતાની શારીરિક મર્યાદાઓને માત આપીને સેંકડો દીકરીઓના જીવનમાં આશાનું કિરણ પ્રગટાવ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ પદ્મશ્રી મુક્તાબેન ડગલીની, જેમણે કુદરતે ભલે આંખોની રોશની છીનવી લીધી હોય, પણ પોતાની મક્કમતાથી 'નારી તું નારાયણી'નું સૂત્ર સાર્થક કર્યું છે.
160 અંધ દીકરીઓનું મજબૂત પીઠબળ
મુક્તાબેન ડગલી દ્વારા સંચાલિત 'પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ' સંસ્થા આજે 160 જેટલી અંધ દીકરીઓ માટે આશરો અને આશાનું કેન્દ્ર બની છે. અહીં માત્ર રહેવા-જમવાની જ સગવડ નથી, પરંતુ આ દીકરીઓને પગભર કરવા માટે પ્રાથમિક શિક્ષણથી લઈ કોલેજ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. એટલું જ નહીં, અનેક દીકરીઓને સરકારી નોકરીઓ સુધી પહોંચાડવામાં પણ મુક્તાબેને મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
253 દીકરીઓના લગ્ન અને ઘરવસાવટ
મુક્તાબેન માત્ર શિક્ષણ આપીને અટકી જતાં નથી, પણ આ અંધ દીકરીઓ માટે લાયક જીવનસાથી શોધીને અત્યાર સુધીમાં 253 દીકરીઓના લગ્ન પણ કરાવ્યા છે. લગ્ન બાદ દીકરીઓને રહેવા માટે મકાન, મેડિકલ સહાય, સુવાવડ અને ઝિયાણા જેવી તમામ જવાબદારીઓ પણ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવે છે. એક માતાની જેમ મુક્તાબેન આ તમામ દીકરીઓનું કન્યાદાન કરી તેમનું ઘર વસાવે છે.
અંધાપાને હરાવી આધુનિક જ્ઞાનનો સંગમ
આ સંસ્થામાં દીકરીઓને માત્ર ઘરકામ જ નહીં, પણ ટેકનોલોજી અને સ્પોર્ટ્સમાં પણ પાવરધી કરવામાં આવે છે. અંધ બહેનો અહીં કોમ્પ્યુટર ચલાવે છે, ક્રિકેટ રમે છે અને રોજિંદા કાર્યો પણ આત્મનિર્ભર બનીને કરે છે. તેમની આ અદ્ભુત સેવાકીય પ્રવૃત્તિ બદલ ભારત સરકાર દ્વારા તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મશ્રી' એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે.
મુક્તાબેન ડગલી સાચા અર્થમાં સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે, જે સાબિત કરે છે કે જો દ્રષ્ટિકોણ સાચો હોય તો દ્રષ્ટિ ન હોવા છતાં પણ આખી દુનિયા બદલી શકાય છે.








