Video: સાબર ડેરીના સત્તાધીશો પશુપાલકોનો શોષ ઠંડો પાડવા એક્ટિવ

સોર્સ: gstv

સાબરકાંઠાની જીવાદોરી સમાન સાબરડેરીની મહત્વપૂર્ણ બોર્ડ મિટિંગ પૂર્ણ થઈ છે. સતત પોણા બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં વિવિધ વહીવટી અને આંતરિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જોકે, આ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો પશુપાલકો માટે દૂધના ભાવ વધારાનો રહ્યો હતો. આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ પશુપાલકોને દૂધના ભાવ વધારાની ભેટ મળી શકે તે રહી શક્યતાઓ વર્તાઈ રહી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની નજર હાલ દૂધના ભાવ વધારા પર ટકેલી છે. બોર્ડ મિટિંગમાં નક્કી થયા મુજબ, મહિનાની આખર તારીખે રાજ્યની અન્ય ડેરીઓ દ્વારા ચૂકવવામાં આવતા કિલોફેટના ભાવની સમીક્ષા કરવામાં આવશે અને તેના આધારે સાબરડેરી દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવનાર છે.

કેટલફીડના ભાવ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. રો-મટેરિયલના બજાર ભાવોને આધીન આગામી દિવસોમાં કેટલફીડના નવીન ભાવો નક્કી કરવામાં આવશે. એક તરફ ડેરીના આંતરિક વિવાદો ચાલી રહ્યા છે, ત્યારે બીજી તરફ બોર્ડ મિટિંગમાં ભાવ વધારાના સંકેત મળતા પશુપાલકોમાં આશાનું કિરણ જાગ્યું છે. બહાર તો ઓલ ઈઝ વેલની વાતો થઈ રહી છે. પરંતુ સાડા ત્રણ લાખ પશુપાલકોનો રોષ ઠંડો પાડવા માટે ડેરીના સત્તાધીશો કામે લાગી ગયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત