Video: ધોળકાના સરગવાળામાં ગેસ પાઇપલાઇન વિવાદ વકર્યો: રિમાન્ડ પૂર્ણ થતા ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકી સહિતના આરોપીઓને અમદાવાદ સેન્ટ્રલ જેલ મોકલાયા!

સોર્સ: gstv

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે જીએસપીએલ (GSPL) કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરીને લઈને વિવાદ વધુ વકર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો આ કામગીરીનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

શું છે ખેડૂતોનો આક્ષેપ?

જાહેરાત

ખેડૂતોનો આક્ષેપ છે કે ગેસ કંપની દ્વારા તેમને કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર, નોટિસ આપ્યા વગર કે યોગ્ય વળતર ચૂકવ્યા વિના ગેરકાયદેસર રીતે ખેતરોમાં પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. આ કામગીરીને કારણે તેમની જીવ સમાન કિંમતી ખેતીલાયક જમીનને મોટું નુકસાન પહોંચી રહ્યું છે.

પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, 50 લોકો સામે ફરિયાદ

તાજેતરમાં જ્યારે કંપની દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં ખેડૂતોએ સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પોલીસે બ્રિજરાજ સોલંકીની અટકાયત કરતાં મામલો બિચક્યો હતો અને પોલીસ તથા ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘટનામાં પોલીસ પર પથ્થરમારો અને સરકારી વાહનોને નુકસાન પહોંચાડવા બદલ કોઠ પોલીસ મથકે ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકી સહિત 7 લોકો વિરુદ્ધ નામજોગ અને અન્ય 50 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

રિમાન્ડ પૂર્ણ થતા અમદાવાદ સેન્ટ્રલ જેલ મોકલાયા

પોલીસે આ કેસમાં આરોપીઓના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડની મુદત પૂર્ણ થતા તમામ આરોપીઓને ધોળકાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં સરગવાળા અને આસપાસના ગામના ખેડૂતો તેમજ આગેવાનો ઉમટી પડ્યા હતા. પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટના આદેશ બાદ તમામને અમદાવાદની સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. હવે બ્રિજરાજ સોલંકી અને અન્ય ખેડૂતોના વકીલ દ્વારા ટૂંક સમયમાં જામીન અરજી દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે.

29 તારીખે વટામણ ખાતે 'કિસાન મહાપંચાયત'નું આયોજન

ખેડૂતો પર થયેલા પોલીસ દમન અને આપ (AAP) નેતા તેમજ ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકી સામે નોંધાયેલી પોલીસ ફરિયાદના વિરોધમાં સમગ્ર પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આગામી 29 તારીખે વટામણ ખાતે વિશાળ 'કિસાન મહાપંચાયત'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે. હાલ ખેડૂતો આ અન્યાય સામે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત