Video: ધોળકાના સરગવાળામાં ઘર્ષણ બાદ આક્રોશ: પોલીસ અને GSPL વિરુદ્ધ ફરિયાદ, નહિ નોંધાય તો હાઇકોર્ટની જવાની ચીમકી ઉચ્ચારાઈ

અમદાવાદના ધોળકાના સરગવાળા ગામે ગેસ પાઇપલાઇન નાખવાના મુદ્દે સર્જાયેલા ઘર્ષણ બાદ હવે મામલો ગરમાયો છે. વળતર અને જાણ કર્યા વિના જમીનમાં કામગીરી સામે ખેડૂતોના વિરોધ અને પોલીસ કાર્યવાહી બાદ આગેવાનોએ ફરિયાદ નોંધાવી કાનૂની લડાઈની ચીમકી ઉચ્ચારી છે.
ધોળકાના સરગવાળા ગામે ખેડૂતોના ખેતરોમાં જીએસપીએલ કંપની દ્વારા ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં પોલીસ હાજરીમાં કામગીરી દરમિયાન ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીની અટકાયત થતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ મામલે પોલીસે બ્રિજરાજ સોલંકી સહિત સાત નામજોગ અને 50 જેટલા લોકો સામે ગુનો દાખલ કરી ખેડૂતોના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન ખેડૂત આગેવાન શૈલેષ મેર સહિતના આગેવાનો કોઠ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
તેમણે ખેડૂતો પર માર મારનાર પોલીસકર્મીઓ અને ગેરકાયદે કામગીરી કરતી કંપની સામે ફરિયાદ આપી છે. શૈલેષ મેરે આક્ષેપ કર્યો કે બંધારણની કલમ 19 અને 21 હેઠળના મૂળભૂત અધિકારોનો ભંગ થયો છે અને જો પોલીસ ફરિયાદ નહીં નોંધે તો હાઇકોર્ટમાં જવાશે. બીજી તરફ, ગેસ પાઇપલાઇનનું કામ અટકાવવા ખેડૂતપુત્ર મયુરે પુરાવા સાથે અરજી આપી છે અને કામ નહીં અટકે તો હાઇકોર્ટમાંથી સ્ટે મેળવવાની તૈયારી દર્શાવી છે. આ ઘટનાને ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓએ વખોડી કાઢી છે, જ્યારે ગામમાં ખેડૂત પંચાયત યોજવાની શક્યતા પણ સેવાઈ રહી છે.















