Video: ધોળકાના સરગવાળામાં ગેસ પાઇપલાઇનની કામગીરીનો ખેડૂતોનો વિરોધ, પોલીસ સામે પગલાં નહીં લેવાય તો હાઈકોર્ટ જવાની ચીમકી

અમદાવાદ જિલ્લાના ધોળકાના સરગવાળા ખેડૂતોના ખેતરમાં જીએસપીએલ કંપની દ્વારા ગેસની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. ખેડૂતો પોતાના ખેતરમાં પાઇપલાઇન ન નાખવા દેવા કેટલાય દિવસોથી વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોને આ અંગે જાણ પણ કરવામાં નથી આવી અને વળતર પણ આપવામાં આવ્યું નથી. જેથી, ખેડૂતો પોતાની જમીન બચાવવા આંદોલન કરી રહ્યા છે.
પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતાં ગુનો દાખલ થયો હતો
તાજેતરમાં જીએસપીએલ કંપનીના અધિકારીઓ પોલીસની હાજરીમાં ખેતરમાં પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ હતું ત્યારે ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને તે સમયે ખેડૂત આગેવાન બ્રીજરાજ સોલંકી પણ હાજર હતા અને તેમની અટકાયત કરતા પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો, પરિસ્થિતિ જોઈ પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કરતાં ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ઘટના બાદ પોલીસે ખેડૂત આગેવાન બ્રીજરાજ સોલંકી સહિત સાત જેટલા લોકોના નામ ફરિયાદમાં દાખલ કરી ૫૦ જેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ત્યારે હવે ખેડૂત આગેવાન શૈલેષ મેર સહિતના આગેવાનો કોઠ પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચ્યા હતા. જેમાં ખેડૂતોને માર માર્યો હોવાનો આક્ષેપ મૂકી પોલીસ સામે ફરિયાદ દાખલ કરવા અને કંપની વિરુદ્ધ પણ પગલાં લેવા માંગ કરાઇ છે.
પોલીસ સામે ફરિયાદ નહિ નોંધાય તો હાઈકોર્ટ જવાની ચીમકી
આ અંગે ખેડૂત આગેવાન શૈલેષ મેરે જણાવ્યું હતું કે ખેડૂતોના બંધારણીય મૂળભૂત અધિકારો—કલમ ૧૯ અને ૨૧ની અવગણના થઈ છે. પોલીસ વિરુદ્ધ કોઠ ફરિયાદ દાખલ કરવા પહોંચેલા શૈલેષ મેરે ચીમકી આપી છે કે જો પોલીસ ફરિયાદ નહીં નોંધે તો હાઇકોર્ટ સુધી જવાની તેમની પૂરેપૂરી તૈયારી છે.
બીજી તરફ, ગેસ પાઇપલાઇન મામલે જીએસપીએલ (GSPL) કંપની વિરુદ્ધ કામ અટકાવવા ખેડૂત પુત્ર મયુર દ્વારા પુરાવા સાથે અરજી સુપરત કરવામાં આવી છે. કામ બંધ નહીં થાય તો આગામી રણનીતિ ઘડીને કામગીરી અટકાવવા તેમજ વહેલી તકે હાઇકોર્ટમાંથી સ્ટે મેળવવા માટે કાયદાકીય પગલાં ભરવાની તૈયારી દર્શાવાઈ છે.
તો બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા સરગવાડા ગામે ખેડૂતમાં પંચાયતનું પણ આયોજન થવાની શક્યતા પૂરેપૂરી સિવાય રહેશે અને આ મામલે ગોપાલ ઇટાલીયા પ્રવીણરામ સહિતના નેતાઓએ સરગવાળા ગામે જે બનાવ બન્યો તેને વખોડ્યો છે











