‘તમે રાજપૂત નહીં ભાજપૂત છો’, ક્ષત્રિય સમાજનું સમર્થન ના કરતા સોશિયલ મીડિયા પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીનો વિરોધ

રાજકોટ લોકસભામાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજને લઇને કરવામાં આવેલી ટિપ્પણીનો વિવાદ વકરી રહ્યો છે. ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબાનો સોશિયલ મીડિયા પર વિરોધ કરવામાં આવ્યો છે.
રવિન્દ્ર જાડેજાના પત્નીનો સોશિયલ મીડિયા પર વિરોધ
ક્ષત્રિય સમાજના આંદોલનને લઇને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ધારાસભ્ય રિવાબાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા છે. ઇંસ્ટાગ્રામ પર લોકો રિવાબાને લઇને અનેક કોમેન્ટ કરી રહ્યાં છે.
રિવાબાએ ક્ષત્રિય સમાજ પર રૂપાલાની ટિપ્પણી પર કોઇ જવાબ ના આપતા લોકો કોમેન્ટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર રિવાબાને લઇને એક યૂઝરે કોમેન્ટ કરી કે, “તમે રાજપૂત નહીં ભાજપૂત છો, સમાજની જરૂર હતી ત્યાર સુધી સમાજ-સમાજ કર્યું, તમે બેન બા કેસરી ટોપીની આડમાં કેસરિયા ભૂલી ગયા છો”
અન્ય એક કોમેન્ટ કરતા યૂઝરે લખ્યુ, “માફ કરજો બેનબા આપની બઉં ઇજ્જત કરૂં છું પણ આ પોસ્ટ તમને નથી શોભતી આજે રાજપૂતાણીઓ વિશે સહન ના કરી શકાય એવી ટીપ્પણી કરી છે. આમ તો તમે બઉં રાજપૂતોના સંસ્કાર દેખાડતા ફરો છો પણ આજે તમે કેસરી ટોપીની આડમાં કેસરિયા ભૂલી ગયા છો. રાજપૂત નથી રહ્યાં ભાજપૂત બની ગયા છો. અમર બેન સામે આવું બોલવું સારૂ નથી લાગતું પણ તમારૂં આ વર્તન એક રાજપૂતાણીના હિસાબે સારૂ નથી.”
અન્ય એક યૂઝરે લખ્યુ કે, ખોટા નાટક રહેવા દો બેનબા તમારા જેવા ભાજપૂતોને હવે આ નથી શોભતું.
ઇંસ્ટાગ્રામ પર એક કોમેન્ટમાં યૂઝરે લખ્યુ, “આપણઆ વીર પુરૂષોને મહાપુરૂષોને વંદન પરંતુ ભાજપના કદાવર નેતા રૂપાલાએ આપણા આવા મહાપુરૂષોનું અપમાન કર્યું છે એ પણ યાદ રાખજો અને એની ટિકિટ રદ નહીં થાય તો બેન આવનાર ભવિષ્યમાં ભાજપનો ક્ષત્રિય સમાજ સંપૂર્ણપણે બહિષ્કાર કરશે. આ વાત અમારી ઉપર સુધી પહોંચાડી દેજો.
જાડેજાના બહેન ક્ષત્રિય સમાજના સમર્થનમાં
બીજી તરફ રિવાબાના નણંદ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા ક્ષત્રિય સમાજના સમર્થનમાં ખુલીને સામે આવ્યા છે અને અનેક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યાં છે.

