સુરતના ઉશ્કેર નજીક કાકરાપાર નહેરમાં થયેલા ભંગાણનું રિપેરિંગ કામ પૂર્ણ, આવતીકાલથી પાણી છોડાશે
થોડા દિવસ અગાઉ સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામેથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા નહેરમાં પડેલા ભંગાણ સર્જાયુ

થોડા દિવસ અગાઉ સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામેથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા નહેરમાં પડેલા ભંગાણ સર્જાયું હતું. જેથી પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેથી ખેતરોમાં પાણી ઘુસી જતાં ઉભા પાકને નુકસાન થયું હતું. યુદ્ધના ધોરણે નહેરનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. જે કામ પૂર્ણ થયું છે.
આરસીસી કામ પૂર્ણ
નહેરનું રિપેરિંગ કામ પૂર્ણ થતાં આવતીકાલથી નહેરમાં રાબેતા મુજબ પાણી છોડવામાં આવશે. ગત પાંચમી તારીખે નહેરમાં ભંગાણ પડ્યું હતું. આ કારણે નહેરનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. સિંચાઈ વિભાગના અધિકારીઓએ તાત્કાલિક નહેર બંધ કરાવી હતી. યુદ્ધના ધોરણે મરામત કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ માટી પુરાણનું કામ કરાયું હતું. ત્યારબાદ RCC કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
2017માં નવિનીકરણ કરાયું હતુ
આ નહેરનું 2017માં 256 કરોડ રૂપિયાના ખર્ચે નવિનીકરણ કરવામાં આવ્યું હતું. જોકે, માત્ર પાંચ વર્ષમાં જ નહેરમાં ભંગાણ પડ્યું છે. નહેરની આસપાસ ઘણી જગ્યાએ પોપડા ઉખડી ગયા છે. આ કારણે ભૂતકાળમાં થયેલી મરામત કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થયા છે. હજારો હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપતી આ નહેરમાં હવે પાણીનો પ્રવાહ વધશે. તેથી અન્ય જગ્યાએ પણ ભંગાણ પડવાની ભીતિ સેવાઈ રહી છે. આમ છતાં, આવતીકાલથી ખેડૂતો ફરી એકવાર સિંચાઈનો લાભ લઈ શકશે.








