ગુજરાતના વિકાસની વાસ્તવિકતા, નસવાડીના કાડકોચની શાળા જર્જરિત થતાં વિદ્યાર્થીઓ આ રીતે અભ્યાસ કરવા મજબૂર
નસવાડી તાલુકાના કાડકોચ ગામે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં 50થી વધુ બાળકો અ

નસવાડી તાલુકાના કાડકોચ ગામે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં 50થી વધુ બાળકો અભ્યાસ કરે છે. જયારે ગામમાં વર્ષો પેહલા શાળા બની હતી. શાળામાં 3 ઓરડા બનાવ્યા હતા. જે ત્રણેય ઓરડાના પતરા કટાઈ ગયા છે. ઓરડાની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે. જયારે ઓરડાની છતના કેટલાક પતરાઓ ઉડી પણ ગયા છે. દીવાલો ઉપર લીલ પણ જામી ગઈ છે. ચોમાસામાં આ ઓરડામાં બાળકો અભ્યાસ ના કરી શકતા અને બાળકોને જીવનું જોખમ ઉભું થતા હવે કાડકોચ ગામમાં આશાવર્કરના મકાનમાં બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવાની નોબત આવી છે.
50 બાળકોના શિક્ષણને લઈને સવાલો
હાલ 50 જેટલા બાળકો એક સાથે એક જ જગ્યા ઉપર બેસીને અભ્યાસ કરી રહ્યા છે. જેના કારણે પાયાના શિક્ષણ ઉપર બાળકોને અસર પડી રહી છે. જયારે એક જ શિક્ષક હોવાના કારણે શિક્ષકને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. જયારે પંખાની પણ સુવિધા નથી અને ગરમીમાં બાળકો શેકાઈ રહ્યા છે. વારંવાર ઓરડા બનાવવા આપવા ગ્રામજનો અને શિક્ષકએ જિલ્લા અને તાલુકાના અધિકારીઓને રજૂઆતો કરી છે. છતાંય હજુ સુધી અધિકારીઓ કે નેતાઓ જગ્યા જ નથી. જેના કારણે હાલ આદિવાસી બાળકોને આ રીતના અભ્યાસ કરવાનો વારો આવ્યો છે.
વિકાસની વાસ્તવિકતા
ગામના બાળકો ભણે તે માટે આશાવર્કરે પોતાનું મકાન આપ્યું છે. પરંતુ જો મકાન ના મળ્યું હોત તો બાળકો ક્યાં બેસીને અભ્યાસ કરત? જયારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આડેધડ આયોજનો કરી વપરાઈ રહી છે. વિકાસની વાતો થઇ રહી છે. શિક્ષણનું બજેટ સૌથી વધુ છે. ત્યારે આજે પણ આદિવાસી બાળકો શાળાઓમાં નહિ પરંતુ આશાવર્કરના મકાનમાં બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે. જયારે ચૂંટણીમાં મતદાન મથક પણ આ શાળામાં બનાવામાં આવે છે. ત્યારે હવે મતદાન મથક ક્યાં બનશે તે પણ એક પ્રશ્ન છે. જયારે 108 હુલામણા નામથી જાણીતા ધારાસભ્ય આ શાળાની મુલાકાત લઇ 108ની જેમ ઓરડા મંજૂર કરાવી બનાવી આપે તેવી માંગ લોકો કરી રહ્યાં છે.








