RAJKOTમાં 'ગબ્બર ઇઝ બેક' જેવી ઘટના, આઠ કલાક પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિના ઓપરેશન માટે 2.50 લાખ માંગ્યા
રાજકોટમાં 'ગબ્બર ઇઝ બેક' જેવી ઘટના જોવા મળી છે. મૃત દર્દીનું ઓપરેશન કરવા માટે અઢી લાખ રૂપિયાની માંગણી કરતાં રાજકોટની

રાજકોટમાં 'ગબ્બર ઇઝ બેક' જેવી ઘટના જોવા મળી છે. મૃત દર્દીનું ઓપરેશન કરવા માટે અઢી લાખ રૂપિયાની માંગણી કરતાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરીવાર વિવાદના વમળમાં આવી છે. જ્યાં દર્દીને પ્રથમ મોરબી સિવિલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીએ દમ તોડી દીધો હતો. તેમ છતાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલે ઓપરેશનના 2.50 લાખ રૂપિયા ખર્ચ બતાવી પૈસા ભરવા કહ્યું હતું.
10થી 15 લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ પણ આપ્યો
જણાવી દઈએ કે, મોરબીના માળીયા વનાળિયા ગામે રહેતા સતિષભાઈ હરિભાઈ બાંભણવા મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સતિષભાઈ બાંભણવાને પહેલા મોરબી સિવિલ પછી રાજકોટ સિવિલ હોસ્પિટલ અને વધુ સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલ રિફર કરાયા હતા. આરોપ છે કે રાત્રે ત્રણ વાગ્યે ઈજાગ્રસ્ત સતિષભાઈનું મોત થઈ ગયું હોવા છતાં મૃત્યુ પામેલા વ્યક્તિનું ઓપરેશન કરવાનું કહી વોકહાર્ટ હોસ્પિટલે અઢી લાખ રૂપિયાની માંગણી કરી. આ સાથે તમામ સારવાર માટે કુલ 10થી 15 લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ પણ આપ્યો હતો.
મૃત યુવક્તિનું ઓપરેશન કરવાનું કહી 2.50 લાખની માંગણી
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા એક મૃત યુવક્તિનું ઓપરેશન કરવાનું કહી સગા સંબંધી પાસે રૂપિયા 2.50 લાખની માંગણી કરાઈ હોવાનો આક્ષેપ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. હોસ્પિટલની માંગણી બાદ ઈજાગ્રસ્ત સતિષભાઈના ભાઈએ ખરાઈ માટે સિવિલ હોસ્પિટલમાં જતાં તે મૃત હોવાનું કહ્યું હતું. જે બાદ દર્દીના સગા સંબંધીઓએ વોકહાર્ટ હોસ્પિટલમાં બબાલ પણ મચાવી હતી. .
વોકહાર્ટ હોસ્પિટલ તંત્રે ચુપ્પી સેવી લીધી
મૃતકના સગાએ ગંભીર આરોપ લગાવ્યા છતાં સમગ્ર મામલે વોકહાર્ટ હોસ્પિટલ તંત્રે ચુપ્પી સેવી લીધી છે. મેજમેન્ટ પણ આ બાબતે કંઈ કહેવા તૈયાર નથી. આ ઘટનામાં રાજ્ય સરકાર તાત્કાલિક આ હોસ્પિટલ વિરુદ્ધ પગલા લે નહીંતર આગામી સમયમાં આંદોલન કરવાની કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મોરબીના પીડિત મૃતકના પરિવાર અમારો સંપર્ક કરશે તો અમે મફત કાનૂની સહાય પૂરી પાડવાનું વચન આપવા સાથે જ્યાં સુધી આવી દર્દીઓને લૂંટતી હોસ્પિટલો બંધ ના થાય ત્યાં સુધી લડત આપીશું. રાજકોટની આ ઘટનાએ હોસ્પિટલની નીતિ પર સવાલ ઉભા કર્યા છે.
જણાવી દઈએ કે અગાઉ વોકહાર્ટ હોસ્પિટલ દર્દીને સામાન્ય 7 ટાંકા લેવાના રૂપિયા 2.60 લાખ ખંખેરતા વિવાદમાં આવી હતી. આ હોસ્પિટલમાં દર્દીઓની આવી ઉઘાડેછોગ લૂંટ સામે તંત્રની અને મેનેજમેન્ટની ચૂપકીદી જોવા મળી છે. દર્દીના સગાઓ એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ હોસ્પિટલન નથી પરંતુ દર્દીઓને લૂંટવાનું કતલખાનું છે.








