Video: રાજકોટ રેલવે પોલીસની સંવેદનહીનતાનો વીડિયો

ગુમ થયેલા રાજકોટના એક બાળકે અજાણ્યા નંબર પરથી ફોન કરીને પોતે દ્વારકા જઈ રહ્યો હોવાની જાણ કરતાં, મદદની આશાએ પીડિત પરિવાર રાજકોટ રેલવે પોલીસ પાસે પહોંચ્યો હતો. પરંતુ પરિવારની વ્યથા સાંભળીને કોઈ આશ્વાસન આપવા કે તત્કાલ તપાસ શરૂ કરવાને બદલે હાજર પોલીસકર્મીઓએ ખાટલામાંથી ઊભા થવાની પણ તસ્દી લીધી ન હતી. આ કેસમાં ગુમ થયેલા બાળકના પરિવારજનોએ મીડિયા સમક્ષ આવીને પોલીસ તંત્ર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમને કોઈ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. પોલીસ સ્ટેશનમાંથી તાત્કાલિક મદદ કરવાને બદલે 24 કલાક બાદ જ કોઈ કાર્યવાહી થશે તેવું કહીને પરિવારને પરત મોકલવામાં આવ્યું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ વહેલી સવારે 4 થી 5 વાગ્યાના સમયગાળામાં ફરિયાદ નોંધાવવા ગયા હતા, ત્યારે ફરજ પરના પોલીસ કર્મચારીઓ સૂતા હતા. નાઈટ ડ્યુટી પર તૈનાત પોલીસ સ્ટાફ પોતાની ફરજ બજાવવાને બદલે નિદ્રાધીન હાલતમાં જોવા મળ્યો હતો, જેના કારણે પરિવારને ભારે હાલાકી ભોગવવી પડી હતી.













