Rajkot/ વ્યાજખોરનો આતંક: 1 લાખના બદલે લાખો ચૂકવ્યા, રિક્ષા પણ પડાવી લીધી; કંટાળીને યુવકે વીડિયો બનાવી કર્યો આપઘાત
રાજકોટ શહેરમાં પોલીસની કડક કાર્યવાહીના દાવાઓ વચ્ચે પણ વ્યાજખોરો બેફામ બન્યા છે. રાજકોટના અમિત તન્ના નામના વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આપઘાત કરતા પહેલા અમિતે એક ચોંકાવનારો વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પોતાની આપવીતી વર્ણવી છે.
6 વર્ષથી વ્યાજખોર 'જયદીપ મૈયડ'નો ત્રાસ
અમિત તન્નાએ બનાવેલા અંતિમ વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે, જયદીપ મૈયડ નામનો શખ્સ છેલ્લા છ વર્ષથી તેને સતત માનસિક અને શારીરિક રીતે હેરાન કરી રહ્યો હતો. વ્યાજની રકમ વસૂલવા માટે જયદીપ એવી હદે ઉતરી આવ્યો હતો કે અમિત માટે જીવવું મુશ્કેલ બની ગયું હતું.
1 લાખ સામે લાખોની માંગણી
મૃતક અમિત તન્નાની પત્નીએ રડતી આંખે ન્યાયની માંગણી કરતા જણાવ્યું કે, અમિતે માત્ર 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રકમ સામે અમિતે 60 હજાર રૂપિયા તો વ્યાજ પેટે ભરી પણ દીધા હતા. ટેકનિકલી હવે 40 હજાર રૂપિયા બાકી નીકળતા હતા, પરંતુ વ્યાજખોર જયદીપ તેની સામે હજુ પણ 3.50 લાખ રૂપિયાની માંગણી કરતો હતો.
રિક્ષા પડાવી લીધી અને કોરા ચેકનો દુરુપયોગ કર્યો
વ્યાજખોરે અમિત પાસેથી તેની આજીવિકાનું એકમાત્ર સાધન એવી રિક્ષા છેલ્લા ત્રણ વર્ષથી પડાવી લીધી હતી. એટલું જ નહીં, આરોપીએ અમિત પાસેથી 8 કોરા ચેક પણ બળજબરીથી લખાવી લીધા હતા. આ ચેકમાં મનફાવે તેમ રકમ ભરીને બેંકમાં નાખ્યા અને ચેક રિટર્ન કરાવી અમિત પર કોર્ટમાં કેસ પણ કરી દીધો હતો, જેથી તે કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલો રહે.
વીડિયોમાં ઠાલવી વેદના
આપઘાત પૂર્વે બનાવેલા વીડિયોમાં અમિતે સ્પષ્ટપણે જયદીપ મૈયડના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. આ વીડિયો હવે પોલીસ માટે મુખ્ય પુરાવો સાબિત થશે. હાલમાં રાજકોટ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

