અમદાવાદમાં અખાદ્ય વરખ વેચતી દુકાન પર ફૂડ વિભાગનો દરોડો, 170થી વધુ પેકેટ જપ્ત

દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને મોટી સફળતા મળી છે. શહેરમાં મીઠાઈ પર ચાંદીની વરખ તરીકે ઉપયોગમાં લેવાતો અખાદ્ય વરખ વેચતી એક મોટી દુકાન સામે AMCએ કાર્યવાહી કરી છે. કાલુપુરના જૂના ઓક્ટ્રોય નાકા વિસ્તારમાં આવેલી એચ.એમ. વરખવાલા નામની દુકાનમાં દરોડા પાડીને 170થી વધુ પેકેટ અખાદ્ય વરખનો જથ્થો મળી આવ્યો હતો.
બિસ્કિટની લારીમાંથી અખાદ્ય વરખ મળ્યો
મળતી માહિતી મુજબ, નરોડા વિસ્તારમાં ફૂડ વિભાગની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બિસ્કિટની એક લારીમાંથી અખાદ્ય વરખ મળી આવ્યો હતો. આ વરખનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં ન કરી શકાય તેવું સામે આવ્યું હતું. ત્યારબાદ AMCના અધિકારીઓએ ડુપ્લિકેટ ગ્રાહક મોકલીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આ વરખનો સપ્લાય કાલુપુરના જૂના ઓક્ટ્રોય નાકા વિસ્તારમાં આવેલી એચ.એમ. વરખવાલા નામની દુકાનમાંથી થતો હોવાનું સામે આવ્યું હતું.
170થી વધુ પેકેટ જપ્ત
આ દુકાનમાંથી મીઠાઈના વેપારીઓને વરખનો સપ્લાય કરવામાં આવતો હતો. મીઠાઈ પર ચાંદીની વરખ તરીકે તેનો ઉપયોગ થતો હોવાની વિગતો મળી હતી. જોકે, આ વરખ ખાવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવો ન હોવાથી ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. AMCના મુખ્ય ફૂડ અધિકારીની હાજરીમાં દુકાન પર રેડ કરવામાં આવી હતી, જેમાં 170થી વધુ પેકેટ અખાદ્ય વરખ મળી આવ્યાં હતાં. ફૂડ વિભાગે જથ્થો જપ્ત કરવાની સાથે દુકાનને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. 'આ વરખ ખાવા માટે નહીં પરંતુ ડેકોરેશન માટે હતું અને અહીંયાથી ખરીદ્યા બાદ કોણ શું વપરાશ કરે છે એ અમને ખબર નથી' તેવું વેપારીએ જણાવ્યું હતું.







