ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન, “સત્યની જીત” પદયાત્રામાં કોંગી અગ્રણીઓની ધરપકડ
ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર
ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન “સત્યની જીત” નામે યોજાયેલી પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આ પદયાત્રામાં પોલીસે કોંગી અગ્રણીઓની ધરપકડ કરતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તથા કેસને લઇને તેને રાજકીય બદલા તરીકે ગણાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં સ્થિતિ તંગ બની ગઈ હતી.
કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ
મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રિય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. “સત્યને દબાવી શકાય નહીં અને સત્યની અંતે જીત થશે." તેવો સંદેશ આપતા કોંગ્રેસ દ્વારા આ પદયાત્રાનું આયોજન જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કરાયું હતું.
આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ શેરખાન પઠાણ,સહિતના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








