BZ ગ્રુપ કૌભાંડ: ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો આવી સામે, વૈભવી ફાર્મ હાઉસ અને કરોડોની જમીન
Properties of BZ Group CEO Bhupendrasinh zala: ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂ

Properties of BZ Group CEO Bhupendrasinh zala: ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 6000 કરોડ ઉઘરાવ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્રણ વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકોને છેતર્યા છે. વર્ષ 2021થી ઓફિસ ખોલીને રોકાણો મેળવવા માટે રોકાણની સામે ત્રણ વર્ષણાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ CID ક્રાઇમે કર્યો છે.
સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત બે રાજ્યમાં કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ, પુરાવા એકઠા કરીને CID ક્રાઇમે વિધિવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે L.O.C એટલે કે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે. પોન્ઝી સ્કીમ ચલાવવાના આરોપી એવા ભાજપ કાર્યકર્તા ભુપેન્દ્ર સિંહ ઝાલા હાલ ફરાર છે, ત્યારે પોલીસ તેમના નિવાસ સ્થાનથી લઇને વિવિધ જિલ્લામાં તપાસ કરી રહી છે.
અરવલ્લી જિલ્લામાંથી મળી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો
BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા અંદાજિત 6000 કરોડનું કૌભાંડ આચાર્ય બાદ દિવસેને દિવસે નવા ખુલાસા થઇ રહ્યા છે. GSTVની તપાસમાં અરવલ્લી જિલ્લામાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરોડો રૂપિયાની મિલકતો સામે આવી છે જેમાં એક બિનખેતી જમીન અને એક આલીશાન ફાર્મ હાઉસનો સમાવેશ થાય છે. મોડાસાના લીંભોઈ ગામ પાસે અંદાજીત 3 કરોડ કિંમતનું આલીશાન ફાર્મહાઉસ મળી આવ્યું છે. આ ફાર્મ હાઉસ ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાના નામે નોંધાયેલ છે. આલીશાન ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ, ગાર્ડન, મોટા મોટા બેડ રૂમ અને મોંઘુદાટ ફર્નિચર મળી જોવા મળે છે.
BZ કૌભાંડ મામલે ભુપેન્દ્ર ઝાલાની વધુ એક મિલકત સામે આવી છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરીયા ગામે કરોડોની જમીન ખરીદી હતી. ભુપેન્દ્ર ઝાલાએ સાકરીયા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે નં 382ની જમીન ખરીદી હતી. આ જમીન 13485 ચોમી છે જેને ખરીદી તાત્કાલિક એનએ કરાવવામાં આવ્યું હતું. ભુપેન્દ્ર પરબત ઝાલાના નામે પંચાયતની મિલકતમાં નોંધ પડાવી છે.
7 આરોપીઓની ધરપકડ, એજન્ટના રિમાન્ડ મંજૂર
BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે CID ક્રાઈમે પકડેલા 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા. એક એજન્ટ સહિત BZના સ્ટાફની CID ક્રાઇમે ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર મયુર દરજીના 30 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જયારે અન્ય લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. CID ક્રાઇમે મયુર દરજી સહિત સાત આરોપીઓમાં વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.








