મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gandhinagar news: રાજ્યમાં ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળશે લાભ

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઈનામી જમીનોના અનધિકૃત કબજાને નિયમબદ્ધ કરવા અંગે એક ઠરાવ

Gandhinagar news: રાજ્યમાં ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળશે લાભ

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઈનામી જમીનોના અનધિકૃત કબજાને નિયમબદ્ધ કરવા અંગે એક ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આ ઠરાવ મુજબ, રાજ્યમાં જે ઈનામી જમીનો પર રી-ગ્રાન્ટની પ્રક્રિયામાં ટેકનિકલ અવરોધો હતા અથવા કબજા કિંમત ભરવાની બાકી હતી, કરવાને પાત્ર હોય પણ ન થયેલ હોય તેવી જમીનોના કબજેદારો અને તેમના વારસદારોના હિતમાં આ મોટો નિર્ણય લેવાયો છે. જમીનધારકોને પડતી વહીવટી મુશ્કેલીઓ નિવારવા માટે સરકારે અગાઉના નિયમોમાં સુધારો કરી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવી છે.

આ નવા સુધારામાં અનધિકૃત કબજા હક્કને નિયમબદ્ધ કરવા માટે હવે પ્રવર્તમાન જંત્રી કિંમતના 20 ટકા જેટલી રકમ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉના 28 ઓગસ્ટ, 2023ના ઠરાવની અન્ય તમામ શરતો યથાવત રહેશે. સરકારના આ અભિગમથી વર્ષોથી ઇનામી જમીન સંબંધી ગૂંચવણોમાં ફસાયેલા અનેક જમીનધારકોને લાભ મળશે.

નિયમબદ્ધ કરવાની શરત

જે જમીનોમાં રી-ગ્રાન્ટની પ્રક્રિયા થઈ હોય પણ કબજાકિંમત ભરવાની બાકી હોય, અથવા કોઈ કારણસર રી-ગ્રાન્ટ ન થઈ શકી હોય, તેવી જમીનોના કબજેદારો કે વારસદારોના હક્ક હવે નિયમબદ્ધ કરી શકાશે.

જંત્રી દર

આવા અનધિકૃત કબજાને નિયમબદ્ધ કરવા માટે હાલની પ્રવર્તમાન જંત્રી કિંમતના 20 ટકા જેટલી કબજા હક્કની રકમ વસૂલવામાં આવશે. અગાઉના ઠરાવ (28/08/2023)ની અન્ય તમામ શરતો અને સૂચનાઓ યથાવત રહેશે.

કોને કોને લાભ મળશે

-રી-ગ્રાન્ટ કરેલ પરંતુ કબજા કિંમત ભરપાઈ કરેલ ન હોય તેવી જમીનના કબજેદાર 

-રી-ગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રી ગ્રાન્ટ થઈ ન હોય 

-વારસદારો જો આવી જમીનના અનઅધિકૃત ધારણ કરનાર હોય

-આવી જમીનોની તબદીલીઓ થઈ ગઈ હોય અને હાલ આવી જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદાર

ઇનામી જમીન એટલે શું?

સામાન્ય ભાષામાં કહીએ તો, 'ઇનામી જમીન' એટલે એવી જમીન જે ભૂતકાળમાં (રાજશાહી કે બ્રિટિશ શાસન દરમિયાન) કોઈ વ્યક્તિને તેની વિશિષ્ટ સેવાઓ, બહાદુરી અથવા ધાર્મિક કાર્યોના બદલામાં સરકાર કે રાજા દ્વારા ભેટ (ઇનામ) તરીકે આપવામાં આવી હોય. આ જમીનો સેવા બદલ, ધાર્મિક કાર્યો માટે અથવા કલા કે શૌર્ય માટે આપવામાં આવતી હતી.

આ સમાચાર શેર કરો