SURAT : અબ્રામા ગામે પૂજારીએ વર્ષો જુના અંબરીષેશ્વર મહાદેવ મંદિરની જમીન ઉદ્યોગપતિને વેચી દીધી
priest sold the legendary Ambarisheshwar Mahadev temple land in Abrama village | સુરતના અબ્રામા ગામમાં આવેલું મહાદેવનું મંદિર વર્ષો જૂનું અંબરીષેશ્વર મહાદેવન

સુરતના અબ્રામા ગામમાં આવેલું મહાદેવનું મંદિર વર્ષો જૂનું અંબરીષેશ્વર મહાદેવનું મંદિર છે. પણ હવે આ મંદિર અંગે નવો વિવાદ ઉભો થયો છે. નાણાની લાલચે પૂજારીએ અબ્રામા ગામનું આ પૌરાણિક મંદિરની જગ્યા સહીતની જમીન ઉદ્યોગપતિને વેચી મારી હોવાની વિગતો સામે આવી છે, જેને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
અંબરીષેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ પુરાણોમાં પણ
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અબ્રામા ગામમાં ભગવાન શિવની પૌરાણિક અંબરીષેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. તાપી નદીના કિનારે આવેલા અબ્રામા ગામના મંદિરનો આ મંદિરનો ઉલ્લેખ પુરાણોમાં પણ થયેલો છે. જો કે હવે આ પૌરાણિક મંદિરના અસ્તિત્વ પર ગ્રહણ લાગ્યું છે. અને આ ગ્રહણ લગાડનાર અન્ય કોઈ નહીં પણ મંદિરના પૂજારી પોતે છે.
પૂજારીએ ખોટા દસ્તાવેજો કરીને જમીન ઉદ્યોગપતિને વેચી દીધી
અબ્રામા ગામના ગ્રામજનોના કહેવા અનુસાર તેમના વડવાઓએ અંબરીષેશ્વર મહાદેવ મંદિરની જગ્યા સહિતની જમીન પૂજારીને ભરણ-પોષણ માટે આપી હતી. પણ હવે ગ્રામજનોના આક્ષેપ મુજબ નાણાની લાલચે પૂજારીએ અબ્રામા ગામના આ પૌરાણિક મંદિર સહિતની જમીન ઉદ્યોગપતિને વેચી દીધી છે.
2019માં ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ભવ્ય મંદિરને પૂજારીએ જર્જરિત બતાવી ચેરિટી કમિશનર પાસેથી ખોટા હુકમો મેળવ્યા હતા. ત્યારબાદ શહેરના ઉદ્યોગપતિ અને પી.પી. સવાણી ગ્રૂપના વલ્લભ સવાણી અને તેના પૌત્ર મિતુલ સવાણીને આ મંદિરની જગ્યાનું વેચાણ કરી દીધું. 45 કરોડની જગ્યાનું ખોટું વેલ્યુએશન 9.50 કરોડની કિંમત બતાવી દીધી.
ગ્રામજનોમાં રોષ, ધરણા-ઉપવાસ-આંદોલન કરવાની આપી ચીમકી
પૂજારીના આ કાળાકામોની જાણ થતા અબ્રામા ગામના ગ્રામજનો એકઠા થયા હતા અને રોષ ઠાલવ્યો હતો. મંદિરની જગ્યામાં ભગવાનનું મંદિર જ રહે તે માટે ગામ લોકો લડત માટે મેદાનમાં ઉતર્યા છે. લોકોએ ‘વલ્લભ સવાણી હાય હાય’ના નારા પણ લગાવ્યા હતા. આ સાથે મંદિરની જમીન બચાવવા માટે ધરણા-ઉપવાસ-આંદોલન કરવાની ચીમકી આપી છે.








