મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha નું ગૌરવ: ગુજરાતની નવી વૈશ્વિક ઓળખ, અંબાજી માર્બલને GI ટેગ મળ્યો

બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્

બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં, પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વસ્તરે આગવી ઓળખ મેળવી છે. ભારત સરકારે અંબાજી વિસ્તારના આ માર્બલને Geographical Indication – GI Tag તરીકે માન્યતા આપી છે. આ સિદ્ધિ સાથે અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે માન્યતા ધરાવતું ઉત્પાદન બની ગયું છે.

શ્રદ્ધા, કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતીક

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આ સિદ્ધિને વધાવતા જણાવ્યું હતું કે, "પવિત્ર યાત્રાધામ તરીકે શક્તિપીઠ અંબાજીને વૈશ્વિક ઓળખ મળી છે તેવી જ રીતે અંબાજી માર્બલનું નામ પણ વિશ્વમાં તેજસ્વી રીતે લખાયું છે." તેમણે ઉમેર્યું હતું કે અંબાજી હવે શ્રદ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતીક પણ બન્યું છે.

અંબાજી માર્બલ માટેની આ નોંધણી Ambaji Marbles Quarry and Factory Associationના નામે કરવામાં આવી છે, જેમાં Stone Artisan Park Training Institute (SAPTI), Commissioner of Geology and Mining, અને Collector of Banaskanthaની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

અંબાજી માર્બલનું વિશેષ મહત્ત્વ 

અંબાજી વિસ્તારનો માર્બલ તેની દૂધિયા સફેદ ચમક, ટકાઉપણું અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે. આ માર્બલનો ઉપયોગ અંબાજી મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો, સ્મારકો અને ભવ્ય ઇમારતોમાં થાય છે. આ ટેગ મળવાથી અંબાજીનું નામ વિશ્વના પથ્થર ઉદ્યોગના નકશા પર તેજસ્વી રીતે લખાયું છે.

GI Tag: શું છે અને ફાયદા શું?

ભૌગોલિક સંકેત (GI Tag) એ એક પ્રમાણપત્ર છે, જે કોઈ ચોક્કસ વિસ્તારના અનન્ય ઉત્પાદનને આપવામાં આવે છે, જે તેની ભૂગોળ, માટી કે પરંપરાગત લક્ષણો પર આધારિત હોય.

આ GI ટેગ મળવાના મુખ્ય ફાયદાઓ:

વિશ્વસ્તરીય ઓળખ: "Ambaji Marble" તરીકે વૈશ્વિક બજારમાં અનન્ય બ્રાન્ડ ઇમેજ મળશે.

નકલી ઉત્પાદનો સામે સુરક્ષા: અન્ય વિસ્તારોના માર્બલને અંબાજી માર્બલ તરીકે વેચી શકાશે નહીં.

સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન: રોજગાર, ખાણકામ અને ફેક્ટરી ક્ષેત્રે નવી તકો વધશે અને નિકાસમાં વધારો થશે.

આ સિદ્ધિ બદલ દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના હસ્તે બનાસકાંઠાના ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીત સિંહને જી.આઇ. ટેગનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો