સુરતમાં શિવ મહાપુરાણ કથાની તડામાર તૈયારી, હજારો સેવકો સ્વયંભૂ સેવામાં જોડાયા
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ખરવાસા મંદિર પાસે વેદાંત સિટીમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યુ

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ખરવાસા મંદિર પાસે વેદાંત સિટીમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હજારોની સંખ્યામાં ભાવિક ભકતો સ્વયંભૂ સેવા માટે આવી રહ્યા છે, જેને પગલે હમણાંથી જ સુરતનું વાતાવરણ શિવમય જોવા મળ્યું રહ્યું છે. આ આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિક ભકતો કથા શ્રવણ માટે ઉમટી પડશે તેને ધ્યાનમાં રાખી આયોજક સમ્રાટ પાટીલ અને સુનીલ પાટીલ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
20 હજાર સ્વયંસેવકો રહેશે ખડે પગે
ખરવાસા ખાતે સાંઈ લીલા ગ્રુપ દ્વારા પંડિત પ્રદીપ મિશ્રાજીની વાણીમાં યોજાનારી શિવ મહાપુરાણ કથાના આયોજક સમ્રાટ પાટીલ અને સુનીલ ભાઇ પાટિલે કહ્યું કે, સુરત અને ગુજરાતના શિવ ભક્તોનું સૌભાગ્ય છે કે, તેઓ શ્રી શિવ મહાપુરાણ કથાનું આચમન કરવાના છે. એક સાથે આશરે 15 લાખ લોકો બેસીને શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી શકે એ એવું 200 વીઘા જગ્યામાં વિશાળ પંડાલ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ માટે અત્યારથી જ કથા સ્થળ ખાતે આયોજનની શરૂઆત કરી દેવામાં આવી છે. કથામાં 20 હજારથી વધુ ભક્તોએ સેવા આપવા માટે પોતાના નામની નોંધણી કરાવી ચૂક્યા છે.કથા શ્રવણ માટે આવનાર ભકતો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે જ અહી રોજ મહાપ્રસાદીનું પણ આયોજન હશે.
રોજ રસોડું કાર્યરત
શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજનને હજી એક મહિનાનો સમય છે પણ કથા સ્થળ પર અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને રોજ મોટી સંખ્યામાં ભક્તો સેવા માટે સ્વયંભૂ આવી રહ્યા છે ત્યારે સેવા દારો ની સેવા માટે અત્યારથી જ અહીં રસોડું કાર્યરત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ દાતાઓ અત્યાર થી દાનની સરવાણી વહાવી રહ્યા છે.
પાર્કિગની વ્યવસ્થા
શ્રી શિવ મહાપુરાણ કથામાં રોજ દસથી પંદર લાખ ભક્તો ઉમટી પડશે ત્યારે આયોજકો દ્વારા કથા સ્થળથી બંને દિશામાં બે કિમીના અંતરે વિશાળ પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યાં ભકતો પોતાના વાહન પાર્ક કરી શકશે. પાર્કિંગ સ્થળ પર વ્યવસ્થા સાંભળવા માટે પણ મોટી સંખ્યામાં સ્વયમ્ સેવકો ઉપસ્થિત રહશે.








