સભાસદોની સાથે ન રહેલા આગેવાનોને શોધનારને ઈનામના લાગ્યા પોસ્ટર, માંડવી સુગરના ખાનગીકરણ સામે વિરોધ
સુરત જિલ્લામાં મોટો આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં હજારો ખેડૂતો શેરડીની ખેતી

સુરત જિલ્લામાં મોટો આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં હજારો ખેડૂતો શેરડીની ખેતી કરે છે. આ ખેડૂતોની જીવાદોરી સમાન માંડવી સુગર હતી. વર્ષો પહેલા માંડવી સુગરનો વહીવટ ખાડે ગયો હતો. ફેક્ટરી બંધ થવાની નોબત આવી હતી. જેમાં હજારો ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી ગયા હતા. હવે આ મામલો ફરી એક વાર સપાટી પર આવ્યો છે. હાલમાં જ યુનિયન બેન્કની હરાજીમાં મહારાષ્ટ્રની જુનર સુગર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ જમીન અને મશીનરી સાથે સુગર મીલ ખરીદી લીધી છે. માંડવી સુગરની 250 કરોડ રૂપિયાની પ્રોપર્ટી માત્ર 36 કરોડમાં જ મહારાષ્ટ્રની સુગરને વેચી દેવાય છે. જેથી દક્ષિણ ગુજરાતના રાજકારણમાં તેમજ માંડવી સુગરના સભાસદ ખળભળાટ મચી ગયો છે.
ખેડૂતોએ સ્થાનિક નેતાઓ સામે ઠાલવ્યો બળાપો
માંડવી સુગરમાં ખેડૂતો અને મજૂરોના પરસેવાની કમાણી આપવામાં તેમજ સભાસદોના વર્ષોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સ્થાનિક નેતાગીરી પણ વામણી પુરવાર થાય છે. સ્થાનિક સાંસદ પણ આ જ વિસ્તારના હોવા છતાં માંડવી સુગરને ફરી કાર્યરત કરવા માટે ઉદાસીનતા દાખવતા સુગર ફેક્ટરીનું ખાનગીકરણ થઈ જવા પામ્યું છે. જેથી અકળાયેલા સભાસદોએ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ખોવાયા છે. તેઓને શોધીને લાવનારને ઇનામ પણ જાહેર કરાઈ હોવાના પોસ્ટરો લાગ્યા છે. સુગર ફેક્ટરીના ગેટ નજીક ઠેર ઠેર બેનરો લાગી ગયા છે. ત્યારે હવે આ માંડવી સુગરમાં વર્ષો પહેલા ખેડૂતોના બાકી રહેલા કરોડોનાં નાણા ફરી પરત અપાવવા જરૂરી છે. માંડવી સુગરનું ખાનગીકરણ અટકાવવામાં રાજ્ય સરકાર તેમજ માંડવી અને સુરત જિલ્લાના કહેવાતા રાજકીય અને સહકારી આગેવાનો કેવો અભિગમ દાખલ છે તે જોવું રહ્યું.
સ્થાનિક નેતાગીરી વામણી પુરવાર
માંડવી સુગર વેચાઈ ગયાના સમાચાર બાદ સ્થાનિક આદિવાસી યુવા ખેડૂત સભાસદોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ સુગર જ્યારે બંધ થઈ ત્યારે 27 કરોડ રૂપિયા ખેડૂતોના અને મજૂરોના તેમજ પાંચ કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટરોના બાકી હતા. જેઓ સરકાર દ્વારા આ સુગરને ફરી કાર્યરત કરવાની આશા લઈને બેઠા હતા. ત્યારે આવી પરિસ્થિતિમાં માંડવી તાલુકાના અને સુરત જિલ્લાના રાજકીય અને સહકારી નેતાઓ સરકાર સામે પણ નત મસ્તક થઈ ચૂપ રહેતા માંડવી સુગરના 54 હજાર જેટલા સભાસદનું હિત જોખમાઈ રહ્યું છે.








