SABARKANTHA : હાથીના દર્શન કરવા જતા એક પરિવારે રૂપિયા 30 લાખ ગુમાવ્યાં, જાણો વિગત
Himmatnagar Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ત

Himmatnagar Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામમાં હાથીના દર્શન કરવા જતા એક પરિવારે રૂપિયા 30 લાખ ગુમાવ્યાં હોવાની ઘટના ઘટી છે. આ કેસમાં પોલીસે આ પરિવારને છેતરીને 30 લાખ પડાવનાર 4 નકલી સાધુઓમાંથી એકની અટકાયત કરી મુદ્દામાલ રીકવર કર્યો છે.
“તમારા ઘર પર મેલીવિદ્યાનો પ્રયોગ થયો છે, આગમી સમયમાં ઘરના તમામ સભ્યોનું મૃત્યુ થશે”
ગાંભોઈ ગામના મનોહરસિંહ ચૌહાણ નિવૃત્ત બેંક કર્મચારી છે જેમને 15 દિવસ અગાઉ હાથી સાથે નીકળેલા ચાર નકલી સાધુઓએ રસ્તામાં રોકી રૂ.100ની દક્ષિણા માંગી હતી. ત્યારબાદ તેમની રૂ.3,000 ઘીના ડબ્બા પેટે માંગ્યા હતા જે આપતા ચાર નકલી સાધુઓએ અલગ અલગ દિવસે મનોહરસિંહના ઘર સુધી પહોંચી તાંત્રિક વિધિની શરૂઆત કરી હતી. સાથોસાથ આ નકલી સાધુઓએ ઘર ઉપર મેલીવિદ્યાનો પ્રયોગ થયા હોવાનું જણાવી આગામી સમયમાં જો કોઈ પણ અયોગ્ય કામ થશે તો ઘરના તમામ લોકોનું મૃત્યુ થવાનો ભય બતાવ્યો હતો.
15 દિવસમાં 30 લાખ પડાવ્યાં
ચાર નકલી સાધુઓએ મૃત્યુ થવાનો ભય બતાવતા મનોહરસિંહ ચૌહાણ પાસેથી 15 દિવસમાં રૂપિયા 30 લાખ જેટલી રકમ અલગ અલગ જગ્યાએ લીધી હતી. જો કે આ મામલે હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ચાર નકલી સાધુઓમાંથી એક આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી છે તેમજ અન્યની શોધખોળ હાથ ધરી છે.








