મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'આદિવાસી સમાજ દેશ માટે હંમેશા આગળ રહ્યો', ડેડિયાપાડામાં પીએમ મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે.બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજ

VIDEO: 'આદિવાસી સમાજ દેશ માટે હંમેશા આગળ રહ્યો', ડેડિયાપાડામાં પીએમ મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે.બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીમાં જોડાયા છે. પીએમ મોદીએ 9,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ ડોડિયાપાડામાં આદિવાસી સમાજને સંબોધન કર્યું હતું. 

પીએમ મોદીએ કહ્યું કે, માતા નર્મદાની આ પવિત્ર ભૂમિ આજે બીજી એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બની રહી છે. 31 ઓક્ટોબરના રોજ, આપણે અહીં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ ઉજવી. આજે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની આ ભવ્ય ઉજવણી સાથે આપણે ભારત પર્વની પૂર્ણતાના સાક્ષી બની રહ્યા છીએ. આ શુભ પ્રસંગે હું ભગવાન બિરસા મુંડાને મારા શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

2003માં દેવમોગરા માતાના દર્શને આવ્યો હતો, આજે આ જગ્યાનો ખુબ વિકાસ થયો છે. 2021માં ભગવાન બિરસામુંડાની જન્મજયંતિની જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણી શરૂ કરવામાં આવી. દેશમાં જયારે પણ જરૂર પડી આદિવાસી સમાજ હંમેશા આગળ રહ્યો. આદિવાસી નેતાઓએ આઝાદી માટે અપાર ત્યાગ કર્યો અને જીવનભર સંઘર્ષ કર્યા અને અંગ્રેજોને શાંતિથી બેસવા ન દીધા. આદિવાસી શૂરવીરોએ આઝાદી માટે પોતાનું લોહી વહાવ્યું તેનો ઈતિહાસ સાક્ષી છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે, શ્રી ગોવિંદ ગુરુ ચેર આદિવાસી ભાષા સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરી છે. આદિવાસી સમાજો પાસે હજારો વર્ષના અનુભવ દ્વારા શીખેલા જ્ઞાનનો વિશાળ ભંડાર છે. વિજ્ઞાન તેમની જીવનશૈલીમાં જડિત છે. અહીં, ભીલ, ગામિત, વસાવા, ગરાસિયા, કોંકણી, સંથાલ, રાઠવા, નાયક, દબલા, ચૌધરી, કોકના, કુંભી, વારલી, ડોડિયા વગેરે સહિત તમામ જાતિઓની બોલીઓનો અભ્યાસ કરવામાં આવશે.

આજે દેશમાં આદિવાસીઓ ઉચ્ચ પદે દેશની સેવા કરી રહ્યા છે. દેશના રાષ્ટ્રપતિ આદિવાસી છે. અમે ઘણાં રાજ્યોમાં આદિવાસી મુખ્યમંત્રીઓ બનાવ્યા છે. વિધાનસભામાં સ્પિકર પદથી લઈને રાજ્યપાલ પદે આદિવાસી નેતાને સ્થાપિત કર્યા છે.

આજે પણ ભગવાન બિરસા મુંડાના પરિવારજનો સાથે મારા સારા સંબંધ છે. હું પહેલો પ્રધાનમંત્રી છું જેણે ભગવાન બિરસા મુંડાના ઘરની મુલાકાત લીધી છે. તેમના ગામની માટી માથે ચડાવી હું આદિવાસીઓના કલ્યાણનો સંકલ્પ લઈને નીક્ળ્યો છું.

પીએમ મોદી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પહોંચ્યા અને દેવમોગરા મંદિરમાં માતાની પૂજા કરી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસી સમુદાયો દ્વારા દેવમોગરા પાંડોરી માતાને કુલદેવી તરીકે પૂજવામાં આવે છે. દેવમોગરા મંદિરમાં પૂજા પછી ડેડિયાપાડામાં પીએમનો રોડ શો શરૂ થયો. રસ્તાના કિનારે હજારો આદિવાસી લોકો જોવા મળ્યા અને એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો.

દિલ્હી જતા પહેલા પ્રધાનમંત્રીનું સુરત એરપોર્ટ પર સાંજે 4 વાગ્યે  સ્વાગત યોજાશે. બિહારી સમુદાયના સભ્યો તેમનું સ્વાગત કરશે. 10થી 15 હજાર લોકો એરપોર્ટ પર PMનું સ્વાગત કરશે. કેન્દ્રીય મંત્રીઓ સીઆર પાટિલ અને હર્ષ સંઘવી પણ એરપોર્ટ પર હાજર રહેશે. 

આ સમાચાર શેર કરો