મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

"દિવાળીએ વતન જવાનો પ્લાન છે? ગુજરાત ST નિગમ દોડાવશે 1800 એક્સ્ટ્રા બસો; જાણો તમારા રૂટનું લિસ્ટ"

"દિવાળીએ વતન જવાનો પ્લાન છે? ગુજરાત ST નિગમ દોડાવશે 1800 એક્સ્ટ્રા બસો; જાણો તમારા રૂટનું લિસ્ટ"
આ સમાચાર સાંભળો

દિવાળી વેકેશન દરમિયાન વતન જવા અને ફરવા નીકળતા પેસેન્જરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એસટી નિગમના અમદાવાદ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડ ઉપરાંત રાણીપ સહિત શહેરના અન્ય બસ સ્ટેન્ડ પરથી નિયમિત બસોના સંચાલન સાથે વધારાની બસો દોડાવવામાં આવશે. અમદાવાદ વિભાગ દ્વારા દિવાળી એક્સ્ટ્રા સંચાલન અંતર્ગત કુલ 1800 ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બસ આપને દ્વાર યોજના હેઠળ કોઈ ગ્રુપ કે સંગઠન દ્વારા આખી બસનું બુકિંગ કરવામાં આવે તો એસટી નિગમ દ્વારા પેસેન્જરોને તેમની સોસાયટીના નાકેથી પિકઅપ કરીને ગંતવ્ય સ્થળે પહોંચાડવાની સુવિધા પણ આપવામાં આવશે.

બીજી નવેમ્બરથી આઠમી નવેમ્બર સુધી એક્સ્ટ્રા સંચાલન

અમદાવાદ વિભાગ દ્વારા બીજી નવેમ્બરથી આઠમી નવેમ્બર દરમિયાન દિવાળી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને કાઠિયાવાડ તરફ સાણંદ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને ભુજ તરફના રૂટ પર વધારાની બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત પંચમહાલ તરફ દાહોદ, ઝાલોદ, બારીયા, સંતરામપુર અને ગોધરા તરફના રૂટ પર પણ વધારાનું સંચાલન કરાશે. જે રૂટ પર પેસેન્જરોની સંખ્યા વધુ હશે, ત્યાં જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવાનું આયોજન છે.

સોસાયટીના નાકેથી બસની સુવિધા

દિવાળી દરમિયાન ગ્રુપમાં વતન જવા ઇચ્છતા પેસેન્જરો માટે બસ આપને દ્વાર યોજના ઉપયોગી બનશે. આ યોજના હેઠળ કોઈ સોસાયટી, સંગઠન કે ગ્રુપ દ્વારા આખી બસનું બુકિંગ કરાવવામાં આવે તો એસટી નિગમ દ્વારા બસ સોસાયટીના નાકે મોકલી આપવામાં આવશે. ત્યાંથી પેસેન્જરોને બેસાડીને સીધા તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવશે. આ સુવિધાથી પેસેન્જરોને સામાન સાથે ગીતામંદિર કે અન્ય બસ સ્ટેન્ડ સુધી પહોંચવાની મુશ્કેલીમાંથી રાહત મળી શકશે.

મારા કામની વાત

•દિવાળી એક્સ્ટ્રા સંચાલન: કુલ 1800 ટ્રિપ.
•સમયગાળો: 2 નવેમ્બરથી 8 નવેમ્બર, 2026.
•મુખ્ય રૂટ: સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ અને પંચમહાલ.
•બસ સ્ટેન્ડ: ગીતામંદિર, રાણીપ સહિત અમદાવાદનાં અન્ય બસ સ્ટેન્ડ.
•ગ્રુપ બુકિંગ: બસ આપને દ્વાર યોજના હેઠળ સોસાયટીના નાકેથી પિકઅપની સુવિધા.

આ સમાચાર શેર કરો