મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad / ગરબા પાસ મુદ્દે ફાયર વિભાગમાં ભડકો ; DFOને શો-કોઝ નોટિસ, ACB તપાસ સુધી મામલો પહોંચ્યો

Ahmedabad / ગરબા પાસ મુદ્દે ફાયર વિભાગમાં ભડકો ; DFOને શો-કોઝ નોટિસ, ACB તપાસ સુધી મામલો પહોંચ્યો
આ સમાચાર સાંભળો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગમાં ગરબા પાસ બાબતે ઉચ્ચ અધિકારીઓ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. શુક્રવારે રાત્રે નોર્થ વેસ્ટ ઝોનના ડિવિઝનલ ફાયર ઓફિસર (DFO) સ્વસ્તિક જાડેજાએ 'પરંપરા' અને અન્ય એક ગરબા સ્થળે પાસ મુદ્દે હોબાળો મચાવ્યો હોવાની આયોજકોએ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર (CFO) જયેશ ખડિયાને ટેલિફોનિક ફરિયાદ કરી હતી. આ બાબતે તપાસ કરતાં DFO સત્તાવાર જાણ કે મંજૂરી વિના વાહન લઈને ગયા હોવાનું સામે આવતાં ઇન્ચાર્જ CFO દ્વારા તેમને ગંભીર ગેરશિસ્ત અને સરકારી સંપત્તિના દુરુપયોગ બદલ 1 દિવસમાં ખુલાસો કરતી શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે.

બીજી તરફ, DFO સ્વસ્તિક જાડેજાએ પણ ઇન્ચાર્જ CFO સામે ચાર પેજનો પત્ર લખી ACB તપાસની માગણી કરતાં સમગ્ર મામલો ગરમાયો છે. હાલમાં નિયમિત CFO મિથુન મિસ્ત્રી નાદુરસ્ત તબિયતના કારણે રજા પર હોવાથી આ આંતરિક જૂથબંધી વધુ વકરી છે.
​
GPMC એક્ટનું ઉલ્લંઘન

નોટિસમાં દર્શાવેલી વિગતો મુજબ, 16મી ઓક્ટોબર 2026ના રોજ DFO સ્વસ્તિક જાડેજાને ફાળવવામાં આવેલી બોલેરો કાર ચાલુ હાલતમાં થલતેજ ફાયર સ્ટેશન ખાતે હાજર હતી. તેમ છતાં, તેમાં જીપીએસ હોવાથી તેને મૂકી દઈને સ્ટેશન ફાયર ઓફિસરને ફાળવાયેલી ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી કે રોજકામ/પાલડી કંટ્રોલ રૂમમાં નોંધ કરાવ્યા વગર લઈ ગયા હતા. આશરે 13 કલાક સુધી સરકારી ચોપડે એન્ટ્રી કર્યા વિના વાહન અંગત કામમાં ફેરવ્યા બાદ 17મી ઓક્ટોબરના રોજ વહેલી સવારે 04:18 કલાકે કાર સ્ટેશનમાં લાવ્યા હતા અને 04:25 કલાકે ખોટી એન્ટ્રીઓ કરાવી હતી. આ મુદ્દે ઇન્ચાર્જ CFOએ ટેલિફોન પર પૂછપરછ કરતાં તેમની સાથે જીભાજોડી કરીને ગુજરાત સિવિલ સર્વિસીસ કન્ડક્ટ રૂલ્સ, 1971ના નિયમ-3 અને GPMC એક્ટનું ઉલ્લંઘન કર્યું હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.

GPS ટ્રેકિંગથી બચવા વાહન બદલ્યું? ગરબા ગ્રાઉન્ડ પર એન્ટ્રીની રાવ

​ફાયર વિભાગમાં ઇમરજન્સી કામગીરી માટે અધિકારીઓને વાહનો ફાળવવામાં આવે છે. DFO સ્વસ્તિક જાડેજા પાસે ફાળવાયેલી બોલેરોમાં જીપીએસ હોવાથી લોકેશન ટ્રેક ન થાય તે હેતુથી અન્ય અધિકારીની ગાડી લઈ જવાઈ હોવાની વ્યાપક ચર્ચા છે. આયોજકોના જણાવ્યા મુજબ, ગરબા પાસ માટે અધિકારી દ્વારા દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. જે બાદ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પહોંચતાં જ સમગ્ર વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો