મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુર: નસવાડીના પાલા ગામે SOGનો સપાટો, ખેતરમાંથી ₹50.42 લાખનો લીલો ગાંજો ઝડપાયો

છોટાઉદેપુર: નસવાડીના પાલા ગામે SOGનો સપાટો, ખેતરમાંથી ₹50.42 લાખનો લીલો ગાંજો ઝડપાયો
આ સમાચાર સાંભળો

છોટાઉદેપુર જિલ્લામાં નશાના કારોબાર અને માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી તેમજ વાવેતર સામે જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના સીધા માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે નસવાડી તાલુકાના પાલા ગામે સફળ દરોડો પાડી ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવેલો ₹50.42 લાખથી વધુની કિંમતનો લીલો ગાંજો ઝડપી પાડ્યો છે.

ખેતરમાંથી ગાંજાના 81 છોડ જપ્ત

પ્રાપ્ત વિગતો અનુસાર, SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પાલા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં અન્ય પાકની આડમાં નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઓચિંતો દરોડો પાડ્યો હતો. ખેતરમાં તપાસ હાથ ધરતાં પોલીસને લીલા ગાંજાના કુલ 81 છોડ મળી આવ્યા હતા. વજન અને ગુણવત્તાના આધારે આ જથ્થાની બજાર કિંમત આશરે ₹50,42,500 આંકવામાં આવી છે. પોલીસે તમામ છોડ મૂળ સહિત ઉખેડીને કાયદેસરનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ખેતર માલિક સામે NDPS હેઠળ ગુનો નોંધાયો

પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આ ખેતર પાલા ગામના સ્થાનિક રહીશ રવિશંકર ભીલનું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ખેતર માલિક રવિશંકર ભીલ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેરકાયદે વાવેતર પાછળ અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો