Video: "સાવધાન! તમે જે સોસ ખાઈ રહ્યા છો તે નકલી તો નથી ને? ગોતામાંથી 7,000 કિલો ઝેરી સોસ પકડાયો

આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભેળસેળિયા તત્વો સામે લાલ આંખ કરી છે. શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત સતત ત્રીજા દિવસે આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. ગોતા વિસ્તારમાં સોસ બનાવતા એક એકમ પર ફૂડ વિભાગે અચાનક દરોડા પાડીને આશરે 6 થી 7 હજાર કિલો અખાદ્ય સોસનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, આગામી તહેવારો દરમિયાન બજારમાં ફરસાણ અને ફાસ્ટફૂડની માંગ વધી જતી હોય છે. આ સમયગાળામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને નફો કમાવવાના ઈરાદે મોટા પાયે નકલી કે ગુણવત્તા વગરનો સોસ બનાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ફૂડ વિભાગની ટીમે ગોતા સ્થિત પ્રોડક્શન યુનિટ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી અત્યંત બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં તૈયાર કરાયેલો હજારો કિલો સોસ મળી આવ્યો હતો.
ફૂડ વિભાગ દ્વારા સ્થળ પરથી શંકાસ્પદ સોસના નમૂના (સેમ્પલ) લઈને તેને પૃથક્કરણ (લેબોરેટરી ટેસ્ટિંગ) માટે મોકલવામાં આવ્યા છે તથા બાકીનો અખાદ્ય જથ્થો સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ફૂડ વિભાગ દ્વારા આવા સોસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તંત્રની સતત ત્રીજા દિવસની આ આક્રમક કાર્યવાહીથી ભેળસેળ કરતા વેપારીઓ અને એકમ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ તત્વને બક્ષવામાં આવશે નહીં.






