Patan / સરકારી આવાસ કૌભાંડ પર પાલિકાની તવાઈ, નિયમભંગ કરનારા 6 મકાન સીલ

Patan / સરકારી આવાસ કૌભાંડ પર પાલિકાની તવાઈ, નિયમભંગ કરનારા 6 મકાન સીલ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પાટણ શહેરની શ્રમજીવી સોસાયટી નજીક આવેલી સરકારી આવાસ યોજનાના મકાનો નિયમ વિરુદ્ધ ભાડે આપવા, વેચી મારવા તેમજ બેવડો લાભ લેવા મામલે પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમ હેઠળ આવેલી અરજીના નિરાકરણ ભાગરૂપે ચીફ ઓફિસર હિરલ ઠાકરની આગેવાની હેઠળ પાલિકાની ટીમે શુક્રવારે સવારના સત્ર દરમિયાન સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. તપાસ દરમિયાન નિયમોનો ભંગ કરનારા 6 સરકારી આવાસોનો કબજો પરત મેળવી તેને સીલ મારી દેવામાં આવ્યા હતા, તેમજ તેમના વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા.

જાહેરાત

માનવતા દાખવી 2 મકાનો સીલ મુક્ત રખાયા, રહીશોનો ઉગ્ર વિરોધ

તંત્ર દ્વારા તૈયાર કરાયેલી યાદીમાં સમાવિષ્ટ 2 કિસ્સાઓમાં મૂળ લાભાર્થી માતા-પિતાના અવસાન બાદ તેમના જ સગા સંતાનો પોતે ત્યાં વસવાટ કરતા હોવાની સ્થળ તપાસમાં ખાતરી થતાં માનવતા દાખવીને તે મિલકતો સીલ કરવામાં આવી ન હતી.

બીજી તરફ, નગરપાલિકાની ટીમ દ્વારા સરકારી મકાનોને સીલ મારવાની પ્રક્રિયા શરૂ કરાતા જ આવાસ યોજનાના રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. મહિલાઓ અને પુરુષોના મોટા ટોળા એકઠા થઈ ચીફ ઓફિસર હિરલ ઠાકર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલિંગની પ્રક્રિયા પૂર્ણ, અન્ય આવાસો પર પણ તવાઈ આવશે

સ્થળ પર તંત્ર અને ટોળા વચ્ચે તંગદિલી તેમજ ભારે ઘર્ષણ જેવો માહોલ સર્જાતા ચીફ ઓફિસરે તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરી હતી, જેના પગલે પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોડી આવીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ થાળે પાડી સીલિંગની પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી.

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવેલી ફરિયાદોના નિવારણ અર્થે શ્રમજીવી વિસ્તારમાં સરકારી આવાસોના દુરુપયોગ સામે આ ઝુંબેશ શરૂ કરાઈ છે. તંત્ર પાસે નિયમભંગ કરતા કુલ 14 આવાસોની પાકી યાદી તૈયાર છે, જેમાંથી બાકીના મકાનો સામે આગામી સેશનમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારનો શરતભંગ ચલાવી લેવાશે નહીં.

આ સમાચાર શેર કરો

જાહેરાત