સગીર સંતાનને વાહન આપતા વાલીઓ ચેતજો: લાયસન્સ વગરના ૧૭ વર્ષના પુત્રે અકસ્માત સર્જતા માતા સામે ગુનો દાખલ!

સગીર સંતાનોને વાહન ચલાવવા માટે આપતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. લાયસન્સ વગરના 17 વર્ષીય કિશોરે લો ગાર્ડન નજીક સિગ્નલ તોડીને સ્કૂટરચાલક યુવતીને ટક્કર મારતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતના 59 દિવસ બાદ પોલીસે બાઈકની માલિક અને કિશોરની માતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માતાને પુત્ર સગીર હોવાની અને તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાની જાણ હોવા છતાં તેણે તેને બાઈક ચલાવવા આપી હતી.
સિગ્નલ તોડીને સ્કૂટરચાલક યુવતીને મારી ટક્કર
આ ઘટના 20 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 8:30 વાગ્યે લો ગાર્ડન નજીક નળ સર્કલ ચાર રસ્તા પાસે બની હતી. 17 વર્ષીય કિશોર પોતાની માતાની મોટરસાઇકલ લઈને મિત્ર સાથે પંચવટી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે રેડ સિગ્નલ તોડતાં સામેથી આવતા સ્કૂટર સાથે બાઈકની જોરદાર ટક્કર થઈ હતી. અકસમાતમાં 22 વર્ષીય સ્કૂટરચાલક યુવતી રસ્તા પર પટકાઈ હતી. તેને માથા, આંખ અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
લોકોના મારના ડરથી બંને કિશોરો ભાગી ગયા
ટ્રાફિક પોલીસની પૂછપરછ દરમિયાન સગીરે જણાવ્યું હતું કે અકસ્માત સમયે તે અને તેનો મિત્ર માતાની મોટરસાઇકલ લઈને જઈ રહ્યા હતા. ટક્કર બાદ યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાથી ઊભી પણ થઈ શકે તેવી સ્થિતિમાં નહોતી. ઘટનાસ્થળે લોકો એકઠા થતાં માર પડવાના ડરથી બંને કિશોરો ત્યાંથી ભાગી ગયા હતા અને પોતાના કામના સ્થળે જતા રહ્યા હતા.
પોલીસ પૂછપરછમાં માતાની ભૂમિકા સામે આવી
ટ્રાફિક પોલીસે 5 નવેમ્બરના રોજ સગીરને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી અને અકસ્માત સમયે તે માતાની મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો. સગીરના નિવેદનના આધારે પોલીસ તપાસમાં તેની માતાની ભૂમિકા સામે આવી હતી. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, માતાને જાણ હતી કે તેનો પુત્ર 18 વર્ષથી નાનો છે અને તેની પાસે વાહન ચલાવવાનું લાયસન્સ પણ નથી. તેમ છતાં તેણે પુત્રને મોટરસાઇકલ ચલાવવા આપી હતી.
અકસમાતના 59 દિવસ બાદ માતા સામે ગુનો
આ મામલે પોલીસે 18 નવેમ્બરના રોજ કિશોરની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સગીર વયના પુત્રને વાહન ચલાવવાની મંજૂરી આપવા અને લાયસન્સ વગરની વ્યક્તિને પોતાનું વાહન ચલાવવા દેવાના આરોપસર કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, અકસ્માતના 59 દિવસ બાદ માતા સામે ગુનો નોંધાયો છે. નોંધનીય છે કે પોલીસ દ્વારા 5 નવેમ્બરે સગીરની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ માતા સામે ફરિયાદ નોંધવામાં 13 દિવસનો સમય લાગ્યો હતો. આ વિલંબ અંગે FIRમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઘટના વાલીઓ માટે પણ એક ચેતવણી સમાન છે કે સગીર સંતાનોને લાયસન્સ વિના વાહન ચલાવવા આપવાથી માત્ર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જ નહીં, પરંતુ ગંભીર કાનૂની કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે.











