મુંબઈના કુર્લામાં કપલ સાથે સગીરોની ગુંડાગીરી! યુવતીના માથા પર દંડાથી હુમલો, 8 કસ્ટડીમાં

મુંબઈના કુર્લા વિસ્તારમાં એક યુવક-યુવતી સાથે બદસલૂકી અને મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ફીનિક્સ મોલ નજીક આવેલા મહાનગરપાલિકાના ઉદ્યાનમાં બંને ફોટો પડાવી રહ્યા હતા ત્યારે 8 થી 10 સગીર છોકરાઓએ તેમની સાથે અભદ્રતા શરૂ કરી હતી અને વિરોધ કરતા મારામારી કરી હતી.
વાયરલ વીડિયોમાં શું દેખાય છે?
વાયરલ થયેલા વીડિયોમાં કપલ ગાર્ડનમાં ફોટો ખેંચતું જોવા મળે છે, ત્યારે ત્યાં હાજર 7-8 છોકરાઓ બંને પર અશ્લીલ ટિપ્પણીઓ કરવા લાગે છે. કપલ વિરોધ કરે છે ત્યારે છોકરાઓ છેડતી અને મારામારી શરૂ કરી દે છે.
વીડિયોમાં એક સગીર ચપ્પલ જેવી વસ્તુ વડે યુવકને મારતો અને બીજો છોકરો યુવતીના માથા પર દંડાથી પ્રહાર કરતો દેખાય છે. ત્યારબાદ બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થાય છે, જેનો વીડિયો ત્યાં હાજર લોકોએ ઉતારીને વાઈરલ કર્યો હતો.
8 સગીરો સામે ગુનો નોંધી કસ્ટડીમાં લેવાયા
પીડિતોની ફરિયાદના આધારે ઘાટકોપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 8 સગીરોને કસ્ટડીમાં લીધા છે. પોલીસ ઉપાયુક્ત ગણેશ શિંદેના જણાવ્યા મુજબ, આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 189(2), 189(4), 118(1), 352 અને 351(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તમામ આરોપીઓને કિશોર ન્યાય બોર્ડ (Juvenile Justice Board) સમક્ષ રજૂ કરવામાં આવશે અને પોલીસ આ મામલે આગળની કાયદેસરની તપાસ કરી રહી છે. અગાઉ બિહારના જમુઈમાં પણ કોચિંગ સેન્ટરના સગીર વિદ્યાર્થી-વિદ્યાર્થીની સાથે મારામારી અને છેડતીનો વીડિયો વાયરલ થયો હતો.
ભાજપ અને શિવસેના દ્વારા ઘટનાની નિંદા
આ વાયરલ વીડિયો અને ઘટના બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કડક કાર્યવાહીની માંગ કરી છે અને જણાવ્યું છે કે ૫ બાળકોના માતા-પિતાને નોટિસ પાઠવવામાં આવી છે. બીજી તરફ શિવસેના (UBT) એ પણ આ ઘટનાની સખત નિંદા કરી છે. શિવસેના (UBT) ના નેતા ઈંતેખવાબ ફારૂકીએ જણાવ્યું કે આવી ઘટનાઓ અત્યંત નિંદનીય છે.
















