Video: મુંબઈના ભિંડી બજારમાં દાઉદના પૈતૃક મકાન ગણાતી જર્જરિત ઈમારત પર બુલડોઝર કાર્યવાહી

મુંબઈના દક્ષિણ ભાગમાં આવેલા ભિંડી બજાર ખાતે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની પૈતૃક સંપત્તિ અને પુશ્તૈની ઘર ગણાતી ઈમારત પર મહાપાલિકા દ્વારા બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાકમોડિયા લેન સ્થિત 'હાજી ઈસ્માઈલ હબીબ મુસાફિરખાના' નામની આ ઈમારતને ગુરુવાર સવારથી તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. એવું કહેવાય છે કે ભારત છોડતા પહેલા દાઉદ ઈબ્રાહિમ અને તેનો પરિવાર અહીં રહેતો હતો ર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરિસર અને આસપાસના વિસ્તારમાં 250થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરીને સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે.
મુંબઈ કોર્પોરેશનના મતે આ બે માળની ઈમારત વર્ષ 1939માં બનાવવામાં આવી હતી, જેમાં 36 રૂમ આવેલા છે. શરૂઆતના સમયમાં તેનો ઉપયોગ હજ યાત્રાળુઓના અસ્થાયી નિવાસ તરીકે થતો હતો. સમય જતાં ઈમારત જર્જરિત બની જતાં તેને અત્યંત ખતરનાક ગણાવીને 'સી-1' શ્રેણીમાં મૂકવામાં આવી હતી અને છત તથા દિવાલનો કેટલોક ભાગ પણ ધરાશાયી થયો હતો. સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટના પત્ર અને બોમ્બે હાઈકોર્ટના ઓગસ્ટ 2020ના આદેશ મુજબ તેને ખાલી કરાવી તોડવાની માંગ કરાઈ હતી. ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી કે આ ઈમારત ક્લસ્ટર પુનર્વિકાસ યોજનાના સેક્ટર-8માં આવે છે અને સેકન્ડ કૂપર સ્ટ્રીટના પહોળા કરવાના કામમાં તેનો એક હિસ્સો નડતરરૂપ છે.
ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પ્રાર્થના ખંડને લઈને સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. બીએમસીના અધિકારીઓના કહેવા મુજબ, ત્યાં હાજર લોકોને ટ્રસ્ટ દ્વારા ફાળવવામાં આવેલી વૈકલ્પિક જગ્યાએ જવા માટે સૂચના આપવામાં આવી હતી. તાજેતરના નિરીક્ષણમાં તંત્રને જાણવા મળ્યું હતું કે ગ્રાઉન્ડ ફ્લોર સિવાય ઈમારતના અન્ય ભાગો ખાલી કરાવી લેવામાં આવ્યા છે. સંભવિત વિરોધને ખાળવા માટે વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે















