Video: સોનિયા ગાંધીના પુસ્તકના વેચાણે બનાવ્યા નવા રેકોર્ડ, 7જ દિવસમા બે લાખથી વધુ નકલોનું વેચાણ

સોર્સ: gstv

સોનિયા ગાંધીના પુસ્તક 'Belonging: A Journey of Love' એ પ્રકાશન જગતમાં હલચલ મચાવી દીધી છે. પ્રકાશકના સીઈઓ અનંત પદ્મનાભનના જણાવ્યા અનુસાર, રિલીઝ થયાના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં બે લાખથી વધુ કોપી વેચાઈ ગઈ છે. હાર્પરકોલિન્સ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત આ પુસ્તક હાર્ડકવર સ્વરૂપમાં છે અને તેમાં કુલ 544 પાના છે. તેની છાપેલી કિંમત એટલે કે એમઆરપી 1,299 રૂપિયા નક્કી કરવામાં આવી છે,જો બે લાખ નકલો એમઆરપીના હિસાબે વેચાઈ હોવાનું માનીએ, તો કુલ 25 કરોડ 98 લાખ રૂપિયા  નો કારોબાર થયો છે.   વાસ્તવિક બજારમાં ઓનલાઈન છૂટ, રિટેલર્સનો હિસ્સો અને અન્ય ખર્ચાઓને કારણે ચોખ્ખો આંકડો થોડો અલગ હોઈ શકે છે, પરંતુ શરૂઆતની પુસ્તકના વેચાણની ઝડપ પ્રકાશન ક્ષેત્ર માટે મોટી સફળતા માનવામાં આવે છે.

પુસ્તકના આ જંગી વેચાણ વચ્ચે લેખકને મળતી રોયલ્ટી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. ભારતમાં હાર્ડકવર પુસ્તકો માટે સામાન્ય રીતે 10 થી 12 પોઈન્ટ 5 ટકા રોયલ્ટી અંદાજવામાં આવે છે, જ્યારે કેટલાક અગ્રણી લેખકો 15 ટકા સુધી પણ રોયલ્ટી મેળવે છે. સોનિયા ગાંધી અને પ્રકાશક વચ્ચેના કરારની વિગતો જાહેર નથી, છતાં સામાન્ય દરો મુજબ ગણતરી કરીએ તો 10 ટકા રોયલ્ટી લેખે 2 કરોડ 60 લાખ રૂપિયા સુધીની રકમ થવા જાય છે. આ ઉપરાંત, પ્રકાશન જગતમાં 'એડવાન્સ રોયલ્ટી' ની વ્યવસ્થા પણ હોય છે, જેમાં લોકપ્રિય લેખકોને પુસ્તક બજારમાં આવે તે પહેલાં નિશ્ચિત રકમ અપાય છે અને પછી વેચાણની રોયલ્ટી તેમાંથી સરભર થાય છે. સોનિયા ગાંધીને કેટલું એડવાન્સ મળ્યું છે તે જાહેર ન હોવા છતાં, આ પુસ્તકની કમાણીનો અંદાજ ખાસ્સો મોટો મનાઈ રહ્યો છે.

જાહેરાત

આ પુસ્તકની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રિલીઝના દિવસે માત્ર 10 મિનિટમાં જ 15 હજારથી વધુ નકલો વાચકો સુધી પહોંચાડવામાં આવી હતી. પ્રકાશકના સીઈઓએ જણાવ્યું કે આ પુસ્તકે સૌથી ઝડપથી વેચાતું પુસ્તક, ડેબ્યુ પુસ્તક, નોન-ફિક્શન પુસ્તક અને સંસ્મરણ જેવા અનેક રેકોર્ડ બનાવ્યા છે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત