સોનિયા ગાંધીનાં પુસ્તક સાથે જોશ જોશમાં બાળ ઠાકરેનો ફોટો પણ ફાડ્યો, શિંદે સેના સામે રોષ

સોનિયા ગાંધીનાં પુસ્તક 'બિલોંગિંગઃ એ જર્ની ઓફ લવ'માં વીર સાવરકર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ હોવાનો આક્ષેપ કરી એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓએ આજે આ પુસ્તકના જાહેરમાં લીરેલીરા કર્યા હતા. જોકે, આ દરમિયાન જોશમાં ને જોશમાં શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનો ફોટો પણ ફાડી નાખવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો હતો. ભાંગરો વટાયાની જાણ થતાં એકનાથ શિંદેએ આ નેતાઓને વિધાન ભવનમાં બોલાવી ખુલાસો પૂછ્યો હતો.
પુસ્તકમાં વીર સાવરકર વિશેની ટિપ્પણીઓ દ્વારા મહારાષ્ટ્રનું અપમાન કરાયું છે તેમ જણાવી પ્રવક્તા શાઈના એનસસી તથા સંજય નિરુપમ સહિતના નેતાઓએ પુસ્તકનાં પાનાં કાઢી કાઢીને તેના ઓન કેેમેરા લીરા બોલાવ્યા હતા. આ દરમિયાન જ શાઈના એનસી દ્વારા ફાડવામાં આવેલી એક તસવીર બાળ ઠાકરેની હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
તરત જ આ મુદ્દે રાજકીય વિવાદ ભભૂક્યો હતો. શિવસેના યુબીટી, કોંગ્રેસ તથા અન્ય નેતાઓએ આ પગલાંની ભારે ટીકા કરી હતી. શિવસેના યુબીટીના નેતાઓએ કહ્યું હતું કે શિંદે શિવસેના પોતે બાળ ઠાકરેની સાચી વારસ હોવાનો દાવો કરે છે તેનો દંભ હવે ખુલ્લો પડી ગયો છે.
જોકે, શાઈના એનસીએ દાવો કર્યો હતો કે પોતે બાળ ઠાકરે નહિ પરંતુ મણીશંકર ઐયરનો ફોટો ફાડયો હતો. તેમણે ખોટો વીડિયો સર્ક્યુલેટ કરનારા સામેે કાનૂની પગલાંની ચિમકી પણ આપી હતી.મુંબઈ મહાપાલિકામાં વિપક્ષી નગરસેવકોએ મેયરની કેબિનમાં ધસી જઈ ધમાલ મચાવી હતી અને બાળ ઠાકરેનો ફોટો ફાડવામાં આવ્યો છતાં કામકાજ કેમ ચાલુ રખાયું છે તેમ કહી વિરોધ પ્રદર્શન કર્યું હતું. નાશિકમાં મનસેના કાર્યકરોએ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા.
બીજી તરફ સોશિયલ મીડિયા પર આ પુસ્તક ફાડવાની ચેષ્ટાની વ્યાપક ટીકાઓ થઈ હતી. અનેક લોકોએ કોેમેન્ટ કરતાં કહ્યું હતું કે પુસ્તકનો જવાબ પુસ્તકથી અપાવો જોઈએ. વીર સાવરકર વિશે અલગ અલગ મંતવ્યો ધરાવતાં અનેક પુસ્તકો પહેલેથી જ બજારમાં ઉપલબ્ધ છે. આ મુદ્દે વાદવિવાદ થઈ શકે પરંતુ પુસ્તક ફાડવામાં આવે તે ખોટું છે. સંખ્યાબંધ લોકોે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં પુસ્તકોનું અદકેરું સ્થાન છે અને તે ફાડવાની ચેષ્ટા મહારાષ્ટ્રની સંસ્કૃતિને અનુરુપ નથી.












