Video: સોનિયા ગાંધીના પુસ્તક પર મહારાષ્ટ્રમાં ભડકો! શિવસેનાએ પાના ફાડીને નોંધાવ્યો ઉગ્ર વિરોધ, પેજ નંબર 201 અને 443 હટાવવાની કરી માંગ

સોર્સ: gstv

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના પુસ્તકને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ પુસ્તકમાં વીર સાવરકર અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે શિવસેનાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને પુસ્તકના પાના ફાડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. મુંબઈ ખાતે શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય નિરુપમ અને રાષ્ટ્રીય સચિવ શાઈના એનસીએ સંયુક્ત રીતે નિવેદન આપીને પુસ્તકના અમુક અંશો સામે સખત વાંધો ઉઠાવ્યો છે. શિવસેનાના આ નેતાઓએ પ્રકાશક હાર્પર કોલિન્સ સમક્ષ માંગ કરી છે કે પુસ્તકમાંથી પેજ નંબર 201 અને 443 તાત્કાલિક હટાવી દેવામાં આવે.

બાળાસાહેબ ઠાકરેના સન્માનનો ઉલ્લેખ અને ઠાકરે જૂથ પર પ્રહાર

જાહેરાત

શિવસેનાના પ્રવક્તા સંજય નિરુપમે જણાવ્યું હતું કે, 'વીર સાવરકરના મુદ્દે અગાઉ પણ મોટો રાજકીય વિવાદ ઊભો થયો હતો. તે સમયે સંસદમાં વિરોધ થયો હતો અને તેની અસર મુંબઈ સુધી પહોંચી હતી. બાળાસાહેબ ઠાકરેના હૃદયમાં સાવરકર પ્રત્યે અપાર સન્માન હતું. શિવાજી પાર્કમાં આયોજિત એક વિરોધ પ્રદર્શન દરમિયાન બાળાસાહેબ ઠાકરેએ મણિશંકર ઐયરના પૂતળા પર ચપ્પલ માર્યા હતા. આજે જે લોકો પોતાને બાળાસાહેબ ઠાકરેના વારસદાર ગણાવે છે, તેઓ આ મુદ્દે ચૂપ કેમ છે? પુસ્તકના પેજ નંબર 201 પર સાવરકર વિશે અપમાનજનક લખાણ લખવામાં આવ્યું છે. તેમણે 11 વર્ષ સુધી જેલમાં અસહ્ય યાતનાઓ સહન કરી હતી અને શિવસેના આ પુસ્તકની સખત નિંદા કરે છે.'

શાઈના એનસીનો ઈતિહાસ સાથે છેડછાડ કરવાનો ગંભીર આરોપ

શિવસેનાના રાષ્ટ્રીય સચિવ અને પ્રવક્તા શાઈના એનસીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં સાવરકરને હિંદુત્વના સંદર્ભમાં બહિષ્કારવાદી તરીકે ચિતર્યા છે, જ્યારે બાળાસાહેબ ઠાકરે સાવરકરને હિંદુત્વનો આત્મા માનતા હતા. સાવરકરે દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને લાંબો સમય જેલમાં વિતાવ્યો હતો, ત્યારે સોનિયા ગાંધીને તેમના બલિદાન પર ટિપ્પણી કરવાનો અધિકાર કોણે આપ્યો? પુસ્તકના પેજ નંબર 201 અને 443માં વપરાયેલા શબ્દો દ્વારા એવું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ થયો છે કે જાણે ભારતમાં કોઈ ફાસીવાદી હિંદુ શાસન રહ્યું હોય. હિંદુત્વનો સાચો અર્થ કોઈના પણ તુષ્ટિકરણ વિના સૌની સાથે ન્યાય કરવાનો છે. પ્રકાશક હાર્પર કોલિન્સે આ બંને પાના તાત્કાલિક હટાવવા જોઈએ, કારણ કે સાવરકરના યોગદાન અને બલિદાનને ઈતિહાસમાંથી ક્યારેય ભૂંસી શકાશે નહીં.'

રાહુલ ગાંધીના વિદેશમાં અર્થતંત્ર અંગેના નિવેદન પર વળતો પ્રહાર

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંજય નિરુપમે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધી દ્વારા ભારતીય અર્થવ્યવસ્થા અંગે આપવામાં આવેલા નિવેદનની પણ આકરી ટીકા કરી હતી. નિરુપમે જણાવ્યું કે, 'આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વિશ્વ બેંક જેવી વૈશ્વિક સંસ્થાઓએ પણ ભારતીય અર્થતંત્રની મજબૂત કામગીરીની પ્રશંસા કરી છે. ભારતનો GDP વૃદ્ધિ દર 7.7 ટકાથી વધુ છે અને દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. વિદેશી ધરતી પર જઈને ભારતના અર્થતંત્રની આલોચના કરવી એ દેશહિતની વિરુદ્ધ છે. રાહુલ ગાંધીના આ પ્રકારના નિવેદનો પરથી એવું પ્રતીત થાય છે કે તેમને પોતાના દેશ પ્રત્યે પ્રેમ નથી અથવા તો તેઓ કોઈ વિદેશી એજન્સીઓના ઈશારે કામ કરી રહ્યા છે.'

આ સમાચાર શેર કરો

જાહેરાત