ભાજપમાં અવગણના વચ્ચે સોનિયા ગાંધીના પુસ્તક વિમોચનમાં પહોંચ્યા કેપ્ટન અમરિંદર સિંહ: રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક તેજ

ભાજપમાં અવગણના વચ્ચે સોનિયા ગાંધીના પુસ્તક વિમોચનમાં પહોંચ્યા કેપ્ટન અમરિંદર સિંહ: રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક તેજ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દિલ્હીમાં સોમવારે આયોજિત સોનિયા ગાંધીના પુસ્તક વિમોચન સમારોહમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા કેપ્ટન અમરિંદર સિંહની હાજરીએ પંજાબના રાજકારણમાં નવી ચર્ચાઓ જગાવી છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયાના લગભગ ચાર વર્ષ બાદ કેપ્ટન અમરિંદર સિંહનું સોનિયા ગાંધીના કાર્યક્રમમાં પ્રથમ હરોળમાં બેસવું એ માત્ર ઔપચારિક મુલાકાત છે કે તેની પાછળ કોઈ મોટો રાજકીય સંદેશ છુપાયેલો છે, તેને લઈને રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે. જોકે, કેપ્ટને પોતે વાપસીની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા નથી.

ભાજપમાં અવગણના અને 2027ની ચૂંટણીના સમીકરણો

2022માં કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડનારા કેપ્ટન અમરિંદર સિંહના ગાંધી પરિવાર સાથેના અંગત સંબંધો ક્યારેય સંપૂર્ણપણે સમાપ્ત થયા નથી. બીજી તરફ, ભાજપમાં તેમની વર્તમાન સ્થિતિને લઈને પણ સવાલો ઉઠતા રહ્યા છે. કેપ્ટન અગાઉ પણ કહી ચૂક્યા છે કે, 'બે વખત મુખ્યમંત્રી રહ્યા હોવા છતાં ભાજપે પંજાબના રાજકીય મામલાઓમાં મારા અનુભવનો યોગ્ય ઉપયોગ કર્યો નથી.'

જાહેરાત

આ દરમિયાન પંજાબ કોંગ્રેસના પ્રભારી સચિન પાયલટે પણ રાજકારણમાં કંઈપણ શક્ય હોવાનું નિવેદન આપ્યું હતું, જ્યારે રાહુલ ગાંધીએ તાજેતરમાં જ કેપ્ટનને ભાજપમાં પોતાના પસંદગીના નેતા ગણાવીને 'અંકલ કૂલ' કહ્યા હતા. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા પટિયાલા અને માલવા ક્ષેત્રમાં કેપ્ટન પરિવારનો પ્રભાવ આજે પણ મહત્ત્વનો માનવામાં આવે છે.

પુસ્તક લખવાના ભાવુક અનુભવો વિશે સોનિયા ગાંધીએ કરી વાત

રાજધાની દિલ્હીમાં આયોજિત આ સમારોહમાં સોનિયા ગાંધીએ પોતાના પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' (Belonging: A Journey of Love) અંગે ભાવુક વાતો શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'આ પુસ્તકના જે હિસ્સાઓ લખવા મારા માટે સૌથી મુશ્કેલ હતા, તે મારા સાસુ ઇન્દિરા ગાંધી અને પતિ રાજીવ ગાંધીની હત્યા સાથે જોડાયેલા હતા. મારા પરિવાર વિશે ઘણી મનઘડંત અને દુઃખ પહોંચાડનારી વાતો કહેવામાં આવી છે, તેથી આ પુસ્તક દ્વારા મેં મારી અને પરિવારની સાચી લાગણીઓ લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે.'

વિપક્ષી નેતાઓની હાજરી અને પુસ્તકનું રેકોર્ડ વેચાણ

આ ભવ્ય સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપરાંત ઇન્ડિયા ગઠબંધનના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં અખિલેશ યાદવ, અભિષેક બેનર્જી, તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય, હેમંત સોરેન, ઉમર અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા અને સુપ્રિયા સુલેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત આ પુસ્તકનું ગત મંગળવારે વિમોચન થયું હતું અને પ્રકાશકના દાવા મુજબ એક જ અઠવાડિયામાં તેની 2,00,000થી વધુ નકલો વેચાઈ ચૂકી છે, જેના પર સોનિયા ગાંધીએ લોકોના પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત