ભાજપમાં મૂળ કાર્યકરોની અવગણના, કોંગ્રેસથી આવેલા નેતાઓને સન્માનની લાલ જાજમ!

આજરોજ કમલમ ખાતે સ્નેહ મિલન નો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ભાજપના કાર્યકર્તાઓ , નેતાઓ, હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં એક ચર્ચાએ જોર પકડ્યું હતું
ભાજપના મંચ પર રોહન ગુપ્તા, જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા આઠ દિગ્ગજ નેતાઓ મંચની સામે ખુરશીઓ પર! નીતિન પટેલના જૂના સવાલની પણ ચર્ચા: "કોણ રોહન ગુપ્તા, જેને મેં કમલમમાં ક્યારેય જોયા નથી?" ભાજપના વર્ષો જૂના કાર્યકરોમાં સળવળાટ, પક્ષની અંદર ફરી એકવાર સન્માન અને સ્થાનને લઈને સવાલો ઊભા થયા.
ગુજરાત ભાજપમાં ફરી એકવાર પક્ષના મૂળ કાર્યકરો અને કોંગ્રેસમાંથી આયાત થયેલા નેતાઓને મળતા સ્થાનને લઈને ચર્ચા જાગી છે. રાજકીય મંચ પર જોવા મળેલું એક દૃશ્ય ભાજપના સંગઠન માટે અસહજ સવાલો ઊભા કરી રહ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તા મંચ પર સ્થાન ધરાવતા જોવા મળ્યા, જ્યારે કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા આઠ દિગ્ગજ નેતાઓ મંચની સામે બેઠેલા જોવા મળ્યા.
ખાસ વાત તો એ છે કે રોહન ગુપ્તાને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અગાઉ સવાલ ઉઠાવ્યો હતો. નીતિન પટેલે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, "કોણ રોહન ગુપ્તા? જેને મેં કમલમમાં ક્યારેય જોયા નથી!" પરંતુ આજે રાજકીય સમીકરણો એવા બદલાયા છે કે એ જ રોહન ગુપ્તા કમલમના મંચ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચુઘની બાજુમાં ઊભેલા જોવા મળી રહ્યા છે. આ દૃશ્ય ભાજપના વર્ષો જૂના કાર્યકરો માટે ચોક્કસ ચર્ચાનો વિષય બન્યું છે.મંચની સામે બેઠેલા આ આઠ નેતાઓમાં બળવંતસિંહ રાજપૂત, નરહરિ અમીન, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, અર્જુન મોઢવાડિયા, અરવિંદ લાડાણી, બ્રિજેશ મેરજા અને જયરાજસિંહ પરમારનો સમાવેશ થાય છે.
અહીં સવાલ માત્ર મંચ પર કોણ બેઠું અને મંચની નીચે કોણ બેઠું તેનો નથી. પરંતુ સવાલ ભાજપની વર્ષો જૂની વિચારધારા અને સંગઠનમાં કામ કરતા મૂળ કાર્યકરોના માન-સન્માનનો છે. જે કાર્યકરો વર્ષોથી પક્ષ માટે પરસેવો પાડે છે, ચૂંટણીમાં મહેનત કરે છે અને સંગઠનને મજબૂત બનાવે છે, તેમને ઘણીવાર યોગ્ય સ્થાન મળતું નથી તેવી ફરિયાદો ઊઠતી રહી છે. બીજી તરફ, કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશેલા નેતાઓને પક્ષમાં મહત્વપૂર્ણ સ્થાન અને સન્માન મળતું હોવાની ચર્ચા કાર્યકરોમાં અસંતોષ વધારી રહી છે.
શું ભાજપમાં વર્ષો સુધી નિષ્ઠાથી કામ કરનારા કાર્યકરો કરતાં પક્ષપલટો કરીને આવેલા નેતાઓનું રાજકીય વજન વધારે છે? શું ભાજપમાં સ્થાન મેળવવા માટે વર્ષોની સંગઠનાત્મક મહેનત કરતાં રાજકીય પક્ષપલટો વધુ અસરકારક સાબિત થઈ રહ્યો છે?
આ દૃશ્યે ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચાને વધુ તેજ બનાવી છે. પક્ષના નેતૃત્વ માટે પણ આ એક વિચારવા જેવો મુદ્દો છે કે જો મૂળ કાર્યકરોને જ યોગ્ય સન્માન અને સ્થાન નહીં મળે તો સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા અને ઉત્સાહ કેવી રીતે જળવાઈ રહેશે?ભાજપમાં સત્તા અને સંગઠનના મંચ પર કોને સ્થાન મળે છે તે હવે માત્ર વ્યવસ્થાનો વિષય નથી રહ્યો, પરંતુ પક્ષના મૂળ કાર્યકરોના માન-સન્માન અને રાજકીય ભવિષ્ય સાથે જોડાયેલો મોટો સવાલ બની રહ્યો છે.













