કોઈ VVIP આવે તો તરત રસ્તા ચમકાવો છો તો આમ આદમી માટે કેમ નહીં ? જાણો કોણે લગાવી ફટકાર

બીએમસી ફક્ત વીવીઆઈપી વિઝિટ દરમિયાન જ રસ્તા ચકચકિત કરી દે છે જ્યારે સામાન્ય માણસ માટે એવી સાફસફાઈ રખાતી નથી તેમ કહી બોમ્બે હાઈકોર્ટે આજે બીએમસીની આકરી ઝાટકણી કાઢી હતી.જસ્ટીસ ગિરિશ કુલકર્ણી તથા જસ્ટીસ નીલા ગોખલેની એક ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે તાજેરમાં સાઉથ મુંબઈના બેલાર્ડ એસ્ટેટના રસ્તા મહાનુભવોની મુલાકાત પહેલાં સારી પેઠે ધોઈને એકદમ ચોખ્ખાચણાક કરી દેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પ્રિન્સ વિલિયમ તથા કેટ મિડલ્ટન હાલ મુંબઈની મુલાકાતે છે અને તેઓ બેલાર્ડ એસ્ટેટના રસ્તા પર સચિન તેંડુલકર સાથે ક્રિકેટ પણ રમ્યાં હતાં તે સંદર્ભનો હાઈકોર્ટે ઉલ્લેખ કરી રહી હતી. જોકે, હાઈકોર્ટે સીધેસીધી પ્રિન્સ વિલિયમનો નામોલ્લેખ કર્યો ન હતો.શહેરમાં રસ્તાઓની સ્થિતિ, કચરાના ઢગ વગેરે બાબતના એક કેસની સુનાવણી કરતાં હાઈકોર્ટે કહ્યું હતું કે બેલાર્ડ એસ્ટેટમાં જુઓ, તમે રસ્તા પાણીથી એકદમ ધોઈ નાખ્યા છે કારણ કે બહુ ખાસ મહાનુભવો ત્યાં આવવાના હતા. પણ તો સામાન્ય મુંબઈગરાંને આવા ચોખ્ખા રોડ કેમ મળતા નથી ? જાહેર માર્ગો પર કચરાના મોટા મોટા ઢગ ખડકાયેલા પડયા રહે છે અને આવી બાબતમાં પણ ઉચ્ચ અદાલતે હસ્તક્ષેપ કરવો પડે તે બહુ ખેદજનક બાબત છે. હાઈકોર્ટે કહ્યું હતું કે જો બીએમસી ધારે તો બહુ ઉત્તમ કામગીરી બજાવી શકે છે તે વીવીઆઈપી વિઝિટના દાખલા પરથી દેખાઈ આવે છે.
જ્યારે મહાનુભવો આવવાના હોય ત્યારે બીએમસી રસ્તા ચમકાવી દે છે. તો આવું શહેરમાં કાયમી રહેતા લોકો માટે કેમ કરતા નથી ? અમારા રસ્તા બહુ ચોખ્ખાચણાક છે તેવું બે દિવસનું કામચલાઉ ચિત્ર ઉભું કરવાને બદલે બીએમસી કાયમ માટે આવી ચોખ્ખાઈ કેમ નથી રાખતી તેમ હાઈકોર્ટે કહ્યું હતું.
કોઈ મહાનુભવો આવતા હોય એ જ જગ્યાએ અને એટલા દિવસો પૂરતી જ નહીં પરંતુ આવી ચોખ્ખાઈ દરેક જગ્યાએ અને હંમેશ માટે રહેવી જોઈએ એમ હાઈકોર્ટે તાકીદ કરી હતી.અદાલતે મહારાષ્ટ્ર સરકાર તથા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાહેરમાં કચરો ફેંકવાના દૂષણ બાબતે જનજાગૃતિ કેળવવા પણ ભલામણ કરી હતી અને કહ્યું હતું કે પ્લાસ્ટીકની થેલીઓ પરના પ્રતિબંધનો કડક અમલ કરાવવો જોઈએ.
કાંજુરમાર્ગમાં ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠલવાતા કચરાથી સર્જાતાં વાયુ પ્રદૂષણ તથા ઝેરી વાયુઓના ઉત્સર્ગ બાબતે એક અરજીની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે રસ્તાઓ પર કેટલી મોટી સંખ્યામાં પ્લાસ્ટિકની થેલીઓ જોવા મળે છે તે તો તપાસો. દર વખતે ચોમાસામાં દરિયો ટનબંધ પ્લાસ્ટિક પાછું ફેંકી દે છે. અદાલતે આ બાબતે વધુ સુનાવણી આગામી તા. સાતમી ડિસેમ્બર પર મુલત્વી રાખી હતી.











