"19 નવેમ્બરે કોઈ ઓફિસ નહીં આવે!" – માત્ર એક વિડીયો ગેમ રમવા માટે ભારતની આ કંપનીએ આખા સ્ટાફને આપી દીધી રજા!

"19 નવેમ્બરે કોઈ ઓફિસ નહીં આવે!" – માત્ર એક વિડીયો ગેમ રમવા માટે ભારતની આ કંપનીએ આખા સ્ટાફને આપી દીધી રજા!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વિશ્વની સૌથી લોકપ્રિય વિડીયો ગેમ ફ્રેન્ચાઈઝી ગ્રાન્ડ થેફ્ટ ઓટોના નવા વર્ઝન GTA 6 નો ક્રેઝ હવે ગેમિંગની દુનિયામાંથી બહાર નીકળીને કોર્પોરેટ ઓફિસો સુધી પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય ટેક કંપની Logitech બાદ હવે ભારતમાં ચેન્નાઈની એક કંપનીએ પણ GTA 6 ના લોન્ચિંગના દિવસે એટલે કે 19 નવેમ્બર, 2026 ના રોજ પોતાના કર્મચારીઓ માટે રજા જાહેર કરી છે.

13 વર્ષની રાહ બાદ રિલીઝ, તેથી જાહેર કરી રજા

જાહેરાત

સામાન્ય રીતે વિડીયો ગેમ રમવા માટે વિદ્યાર્થીઓ સ્કૂલ કે કોલેજમાંથી રજા લેતા હોય છે, પરંતુ ચેન્નાઈની ઈન્ટિરિયર ડિઝાઈન કંપની Inde by ChairsCarte એ સામેથી પોતાના સ્ટાફને રજા આપીને સૌને ચોંકાવી દીધા છે. કંપનીના ફાઉન્ડર અને CEO કિશોર શણમુગમે ઈન્સ્ટાગ્રામ પર આ અંગે માહિતી શેર કરી છે. કંપનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "GTA VI માટે 13 વર્ષથી રાહ જોવામાં આવી રહી હતી. એવામાં જ્યારે આ ગેમ આખરે આવી રહી છે, ત્યારે 19 નવેમ્બરને કોઈ સામાન્ય કામકાજના દિવસ (ગુરુવાર) તરીકે ન લઈ શકાય." ખાસ વાત એ છે કે કંપનીએ આ રજામાં માત્ર કાયમી કર્મચારીઓને જ નહીં, પરંતુ ઈન્ટર્ન અને ફ્રીલાન્સરોને પણ સામેલ કર્યા છે. સોશિયલ મીડિયા પર કંપનીના આ નિર્ણયની જોરદાર પ્રશંસા થઈ રહી છે.

Logitech એ પણ 7,000 કર્મચારીઓને આપી છે રજા

અગાઉ દિગ્ગજ ટેક કંપની Logitech એ પણ GTA 6 ની રિલીઝ પર પોતાના 7,000 કર્મચારીઓ માટે એક દિવસની ખાસ રજાની જાહેરાત કરી હતી, જેથી કર્મચારીઓ તણાવમુક્ત થઈને ગેમ રમી શકે અથવા પોતાની રીતે રજાની મજા માણી શકે.

રિલીઝ પહેલા જ ₹11,000 કરોડથી વધુની કમાણી

ઉલ્લેખનીય છે કે રોકસ્ટાર ગેમ્સની છેલ્લી મોટી સિરીઝ GTA 5 વર્ષ 2013 માં આવી હતી. હવે 13 વર્ષના લાંબા અંતરાલ બાદ 19 નવેમ્બર, 2026 ના રોજ GTA 6 PlayStation 5 અને Xbox Series X|S પર રિલીઝ થવા જઈ રહી છે. આ ગેમને 1.5 થી 3 બિલિયન ડોલરના જંગી ખર્ચે તૈયાર કરવામાં આવી છે અને તેણે પ્રી-ઓર્ડર તથા લોન્ચિંગ પહેલા જ 11,000 કરોડ રૂપિયા થી વધુની કમાણી કરીને અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ગેમની વાર્તા કાલ્પનિક અમેરિકન રાજ્ય 'લિયોનિડા' અને મોર્ડન 'વાઈસ સિટી' પર આધારિત છે, જેમાં જેસન અને લુસિયા મુખ્ય પાત્રો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત