પેટ્રોલ વિના આકાશમાં ઉડાડી દીધું 19 સીટર પ્લેન, ચીને આખી દુનિયાને હચમચાવી દીધી

ઈલેક્ટ્રિક કાર બાદ હવે ઉડ્ડયન (એવિએશન) ક્ષેત્રમાં પણ બેટરી ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે. ચીને 19 મુસાફરોની ક્ષમતા ધરાવતા પોતાના નવા ઈલેક્ટ્રિક કોમર્શિયલ વિમાન CE-25A ની પ્રથમ પાયલોટ સંચાલિત (સમાનવ) ટેસ્ટ ફ્લાઈટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. શેનડોંગ પ્રાંતમાં હાથ ધરાયેલા આ પરીક્ષણ દરમિયાન વિમાને હવામાં 16 મિનિટથી વધુ સમય વિતાવ્યો હતો અને 60.4 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
વિમાન બનાવવું કાર કરતાં કેમ વધુ પડકારજનક છે?
રસ્તા પર ચાલતી ઈલેક્ટ્રિક કાર જરૂર પડ્યે ગમે ત્યાં ઊભી રહી શકે છે, પરંતુ વિમાનને હવામાં ટકી રહેવા માટે સતત ઊર્જાની જરૂર પડે છે. આ માટે વિમાનમાં વપરાતી બેટરી વજનમાં અત્યંત હલકી અને વધુ ઊર્જા સંગ્રહ (હાઈ એનર્જી ડેન્સિટી) કરી શકે તેવી હોવી જરૂરી છે. બેટરીનું વજન વધે તો વિમાનને ઉડાડવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે. આ જટિલ પડકારને ઉકેલવા માટે ચીનની સરકારી એરોસ્પેસ કંપની COMAC એ વિશ્વની અગ્રણી બેટરી નિર્માતા કંપની CATL, શાંઘાઈ જિયાઓટોંગ યુનિવર્સિટી અને અન્ય ભાગીદારો સાથે મળીને આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.
CE-25A વિમાનની મુખ્ય ખાસિયતો: આ વિમાનનું મહત્તમ ટેકઓફ વજન 10 ટન છે અને તેમાં 19 મુસાફરો મુસાફરી કરી શકે છે. વિમાનની ક્રૂઝિંગ સ્પીડ 300 કિલોમીટર પ્રતિ કલાક છે અને તે એક વખત ચાર્જ થયા બાદ અંદાજે 400 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. તેની પાંખો પર 10 ઈલેક્ટ્રિક ડક્ટેડ ફેન (બંને તરફ 5-5) લગાવવામાં આવ્યા છે, જે પરંપરાગત પ્રોપેલર કરતાં વધુ કાર્યક્ષમ અને ઓછો અવાજ કરતા હોવાનું માનવામાં આવે છે. સમાનવ ઉડાન પહેલાં ફેબ્રુઆરી 2026થી આ વિમાનની 19 માનવરહિત (ઓટોનોમસ) ટેસ્ટ ફ્લાઈટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
શું દિલ્હી-મુંબઈ જેવા લાંબા રૂટ પર ચાલશે આ વિમાન?
400 કિલોમીટરની રેન્જને જોતા સ્પષ્ટ છે કે આ વિમાન લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય કે મોટી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે બનાવવામાં આવ્યું નથી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બે નજીકના શહેરો વચ્ચેની પ્રાદેશિક (રિજનલ) મુસાફરીને સરળ બનાવવાનો છે. જ્યાં મુસાફરોની સંખ્યા મર્યાદિત હોય અને અંતર ઓછું હોય તેવા નાના શહેરોને મોટા શહેરો સાથે જોડવામાં આ વિમાન ભવિષ્યમાં અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.
શું હવાઈ ટિકિટ સસ્તી થશે?
ઈલેક્ટ્રિક વિમાનોમાં પરંપરાગત એવિએશન ફ્યુઅલ (ATF) નો ખર્ચ બચે છે અને મોટરની જાળવણી (મેન્ટેનન્સ) પણ પ્રમાણમાં સરળ હોય છે. નિષ્ણાતોના મતે, જો બેટરી ટેકનોલોજીમાં વધુ સુધારો થાય અને કોમર્શિયલ ધોરણે તેનો ઉપયોગ વધે, તો ભવિષ્યમાં ટૂંકા અંતરની હવાઈ મુસાફરીનો ખર્ચ ઘટી શકે છે. જોકે, વ્યવસાયિક સેવામાં આવતા પહેલાં હજુ આ વિમાનને અનેક સખત પરીક્ષણો અને સુરક્ષા પ્રમાણપત્રોની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.









