સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ! GST 3.0ની તૈયારીઓ તેજ, કરદાતાઓ માટે આવી નવી સિસ્ટમ

કરદાતાઓને વધુ સરળ અને પારદર્શક સેવાઓ પૂરી પાડવાના હેતુથી ભારત સરકાર દ્વારા 'સહજ કર સંવાદ' અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં જીએસટી 3.0 લૉન્ચ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના 100 દિવસના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ હેઠળ દમણ કમિશનરેટ દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દમણમાં 'સહજ કર સંવાદ' કાર્યક્રમ
દમણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડાયરેક્ટર જનરલ ઑફ ટેક્સપેયર સર્વિસીસના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર સુમિતકુમારે જણાવ્યું હતું કે, આગામી 6 મહિનામાં જીએસટી 3.0 સંપૂર્ણપણે અમલમાં મૂકવામાં આવશે. કરવેરાની સિસ્ટમને સરળ બનાવવા માટે તેને બેંકિંગ સિસ્ટમ સાથે ઈન્ટિગ્રેટ કરવામાં આવી છે. આગામી 100 દિવસમાં નવા કરદાતાઓ અને એમએસએમઈ (MSME) ક્ષેત્રને આ પ્લેટફોર્મ સાથે જોડવા માટે વ્યાપક આઉટરીચ પ્રોગ્રામ ચલાવવામાં આવશે તેમજ તેમને 'હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ' (માર્ગદર્શન) પૂરૂં પાડવામાં આવશે.
પેટ્રોલ, ડીઝલ અને ગેસ પર ટેક્સ સુધારણાની શક્યતા તથા યુવાનો માટે રોજગારીની તકો
આગામી સમયમાં હાલ જીએસટીના દાયરાથી બહાર રહેલા પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતની પાંચ જેટલી મહત્ત્વની વસ્તુઓને જીએસટી હેઠળ લાવવાની પ્રક્રિયા હાથ ધરી શકાય છે. આ અંગે વધુ માહિતી આપતા દમણ કમિશનર સતીશકુમારે જણાવ્યું હતું કે, દમણ કમિશનરેટ ખાતે 'જીએસટી કૌશલ કેન્દ્ર' અને 'જીએસટી મિત્ર સુવિધા કેન્દ્ર' શરૂ કરવામાં આવ્યા છે. અહીં કોઈપણ સ્નાતક યુવાન નિઃશુલ્ક તાલીમ અને સર્ટિફિકેટ મેળવીને જીએસટી પ્રેક્ટિશનર તરીકે પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે છે.









