મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગુવાહાટીની હોટલમાં અંધાધૂંધ ગોળીબાર: હોટલ માલિક સહિત 5 લોકોના મોત, એક ઘાયલ

ગુવાહાટીની હોટલમાં અંધાધૂંધ ગોળીબાર: હોટલ માલિક સહિત 5 લોકોના મોત, એક ઘાયલ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુવાહાટીની એક હોટલમાં સોમવારે એક વ્યક્તિએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

આ ઘટના ગુવાહાટીના બોરા સર્વિસ વિસ્તારમાં આવેલી હોટલ બિલાસ ઇન ખાતે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હોટલના માલિક અને હોટલ લીઝ પર રાખનાર વ્યક્તિ વચ્ચે થયેલા વિવાદને પગલે આ ગોળીબાર થયો હતો. લીઝધારકે જ આ ઘાતક હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

મૃતકોની ઓળખ હોટલ માલિક હેલેના ભરાલી, તેમના પુત્ર દેવર્ષિ કશ્યપ, દેવર્ષિની પત્ની રિનિકી કશ્યપ, પરિવારના સંબંધી નારાયણ દાસ અને હેલેનાના ભાઈ ભૂદેવ ભરાલી તરીકે થઈ છે.

આ ગોળીબારમાં પરિવાર સાથે સંકળાયેલા સત્યેન્દ્ર પાઠક નામના વ્યક્તિને પણ ગોળી વાગતાં તેઓ ઘાયલ થયા છે. હાલ ગુવાહાટી મેડિકલ કોલેજમાં તેમની સારવાર ચાલી રહી છે, જ્યાં તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.

ઘટનાના સંબંધમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ ઘનકાંત ગોગોઈ તરીકે થઈ છે, જેણે આ હોટલ લીઝ પર લીધી હતી.

પોલીસ કમિશનર પાર્થ સારથી મહંતાએ પત્રકારોને જણાવ્યું હતું કે, કુલ છ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી પાંચ લોકોનાં મોત થયાં છે. એક વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે. ઘટનામાં વપરાયેલી લાઇસન્સવાળી પિસ્તોલ જપ્ત કરી લેવામાં આવી છે. આરોપીની પૂછપરછ ચાલુ છે અને પ્રાથમિક તપાસ મુજબ હોટલના લીઝ એગ્રીમેન્ટને લગતા મિલકત વિવાદના કારણે આ ઘટના બની હતી."

તેમણે વધુમાં ઉમેર્યું કે, "તમામ ભોગ બનનાર લોકો હોટલના માલિક સાથે સંકળાયેલા છે. લીઝધારકે પોતે જ ફાયરિંગ કરીને તેમની હત્યા કરી છે." સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ ચાલુ છે.

દરમિયાન, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું કે આ ઘટના ગુવાહાટીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે.

જોરહાટના સાંસદ ગૌરવ ગોગોઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "ગુવાહાટીના ઉલુબારી સ્થિત હોટલ બિલાસ ઇનમાં થયેલા દુઃખદ ગોળીબારની ઘટનાથી ખૂબ જ દુઃખી છું, જેમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના."

તેમણે વધુમાં જણાવ્યું કે, "આ ઘટના ગુવાહાટીમાં જાહેર સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર ચિંતાઓ પેદા કરે છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તરીકે હિમંત બિસ્વા સરમાએ આની જવાબદારી લેવી જોઈએ અને વધી રહેલા ગુનાઓ પર વધુ ધ્યાન આપવું જોઈએ."

આ સમાચાર શેર કરો