સંરક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય: ₹2.12 લાખ કરોડના સૈન્ય ખરીદી પ્રસ્તાવોને DACની મંજૂરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદે સોમવારે (26 ઓક્ટોબર, 2026) મળેલી 'ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ' (DAC)ની બેઠકમાં ત્રણેય સૈન્ય દળો માટે અંદાજે ₹2.12 લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને 'એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી' (AoN) એટલે કે આવશ્યકતા સ્વીકૃતિ મંજૂરી આપવામાં આવી છે. આ કુલ ખરીદીમાંથી લગભગ 82% સાધનસામગ્રી સ્થાનિક ઉદ્યોગો પાસેથી મેળવવામાં આવશે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મંજૂરીઓમાં આર્મી, નેવી અને એરફોર્સની ઓપરેશનલ ક્ષમતાઓ, ગતિશીલતા અને યુદ્ધ સજ્જતાને મજબૂત કરવાના હેતુથી લશ્કરી પ્લેટફોર્મ્સ, શસ્ત્રો તેમજ સર્વેલન્સ સિસ્ટમ્સની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવી છે.
ડીએસી દ્વારા સેના માટે હાઇ મોબિલિટી વ્હીકલ્સ (HMVs), સેલ્ફ-પ્રોપેલ્ડ ટ્રેક્ડ ગન સિસ્ટમ્સ, ગન શોટ રિસ્પોન્સ સિસ્ટમ્સ (GSRS), લાઇટ મલ્ટી-રોલ હેલિકોપ્ટર્સ (LMRH), વેરી શોર્ટ-રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ્સ (VSHORADS), પ્લેટફોર્મ-આધારિત કાઉન્ટર-અનમેન્ડ એરિયલ સિસ્ટમ્સ (C-UAS), લોંગ-રેન્જ માનવરહિત એરિયલ સિસ્ટમ્સ, સર્વેલન્સ યુએવી (UAVs), ઇન્ટિગ્રેટેડ સર્વેલન્સ એન્ડ સ્ટ્રાઇક સિસ્ટમ્સ તેમજ લોંગ રેન્જ કામિકાઝી ડ્રોન સિસ્ટમ્સની ખરીદીના પ્રસ્તાવોને મંજૂરી અપાઈ છે.
આ હાઇ મોબિલિટી વ્હીકલ્સ દુર્ગમ વિસ્તારોમાં લોજિસ્ટિક્સ અને સૈનિકોની અવરજવરને ઝડપી બનાવશે, જ્યારે સેલ્ફ-પ્રોપેલ્ડ ટ્રેક્ડ ગન સિસ્ટમ્સ સૈન્યને યુદ્ધભૂમિમાં સમાન ગતિશીલતા અને અગ્નિશક્તિ (ફાયરપાવર) આપશે. GSRS રિયલ-ટાઇમ પરિસ્થિતિજન્ય જાગરૂકતા પૂરી પાડીને સેનાની તાકાતમાં વધારો કરશે. આ ઉપરાંત, LMRH હેલિકોપ્ટર્સનો ઉપયોગ આર્મી અને વાયુસેના દ્વારા ગુપ્ત માહિતી એકત્ર કરવા, સર્વેલન્સ, લડાયક કામગીરી, શોધ અને બચાવ (Search and Rescue) તેમજ આપત્તિ રાહત મિશન માટે કરવામાં આવશે. VSHORADS સિસ્ટમ્સ હવાઈ જોખમો સામે લડવાની સેનાની ક્ષમતા વધારશે, જ્યારે પ્લેટફોર્મ-આધારિત C-UAS આધુનિક યુદ્ધભૂમિ પર ટેન્કોની સુરક્ષા વધુ મજબૂત કરશે. વિવિધ સર્વેલન્સ અને ડ્રોન સિસ્ટમ્સ આર્મીની ટાર્ગેટિંગ અને સર્વેલન્સ ક્ષમતાને વધુ ઘાતક બનાવશે.
નૌકાદળ માટે કાઉન્સિલે એક્ટિવ ઓફબોર્ડ ડીકોય સિસ્ટમ્સ (AODS) અને અન્ય મહત્વપૂર્ણ નેવલ પ્લેટફોર્મ્સની ખરીદી માટે મંજૂરી આપી છે. AODS સિસ્ટમ નૌકાદળની એન્ટી-મિસાઇલ સંરક્ષણ ક્ષમતાને વધુ સક્ષમ બનાવશે, ખાસ કરીને આધુનિક એન્ટી-શિપ મિસાઇલો સામે તે જહાજોને સુરક્ષા કવચ પૂરું પાડશે. સંપૂર્ણપણે સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ પામનારા આ નેવલ પ્લેટફોર્મ્સમાં આધુનિક યુદ્ધ ક્ષમતાઓ હશે, જે નેવીની એકંદર લડાયક ક્ષમતામાં મોટો વધારો કરશે.
વાયુસેનાના હવાઈ સંરક્ષણ અને યુદ્ધ લડવાની ક્ષમતાઓને સુદ્રઢ કરવા માટે હેલિકોપ્ટર્સ, એર ડિફેન્સ સિસ્ટમ્સ, શસ્ત્રો અને મોબાઇલ એક્સ-બેન્ડ ડોપ્લર વેધર રડાર સિસ્ટમ્સની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. સ્પેશિયલ યુટિલિટી હેલિકોપ્ટર્સ વાયુસેનાની હવાઈ પરિવહન જરૂરિયાતોને પૂર્ણ કરશે, જ્યારે એક્સ-બેન્ડ ડોપ્લર વેધર રડાર સિસ્ટમ્સ સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં હવામાન સંબંધિત સચોટ અને ઉચ્ચ-રિઝોલ્યુશનવાળી માહિતી પૂરી પાડશે.
સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને મોટું પ્રોત્સાહન કુલ ખરીદી મૂલ્યના આશરે 82% સાધનો અને પ્રણાલીઓ સ્થાનિક ઉદ્યોગો પાસેથી મેળવવા માટે નિર્ધારિત હોવાથી, ડીએસીની આ મંજૂરી 'આત્મનિર્ભર ભારત' પહેલ હેઠળ દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર માટે એક મોટો વેગ સાબિત થશે.








