મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઠક્કરબાપાનગરમાં હોટલમાં ઘૂસી 4 સગીર સહિત 6 શખસોએ લૂંટ ચલાવી, બેની પોલીસે કરી ધરપકડ

ઠક્કરબાપાનગરમાં હોટલમાં ઘૂસી 4 સગીર સહિત 6 શખસોએ લૂંટ ચલાવી, બેની પોલીસે કરી ધરપકડ
આ સમાચાર સાંભળો

અમદાવાદના ઠક્કરબાપાનગર ચાર રસ્તા પાસે આવેલા બળદેવ ચેમ્બરમાં આવેલી રાજદીપ હોટલમાં 17મી ઓક્ટોબરે 4 સગીર સહિત 6 શખસોએ ઘાતક હથિયારો સાથે ઘૂસી આતંક મચાવ્યો હતો. આરોપીઓએ હોટલમાં રોકાયેલા યુવકના ગળા પર છરી મૂકી તેમજ હોટલ સ્ટાફને ધમકાવી 25,000 રૂપિયા પડાવી લીધા હતા. વધુ નાણાં ન મળતાં એલઇડી ટીવી અને સીસીટીવી કેમેરા તોડી નાખી ફરાર થયેલા આ તમામ 6 આરોપીઓને કૃષ્ણનગર પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે બે પુખ્ત આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 4 સગીરો સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
​
હથિયારો સાથે રૂમમાં ધસી જઈ 25 હજારની લૂંટ ચલાવી

મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના ડુંગરપુરના વતની વિનોદ ડીંડોર ઠક્કરબાપાનગર ચાર રસ્તા પાસેના બળદેવ ચેમ્બરમાં આવેલી રાજદીપ હોટલ ખાતે હિસાબ-કિતાબ સંભાળે છે. 17 ઓક્ટોબરના રોજ અવારનવાર હોટલમાં રોકાતો નિલેશ રાજપૂત નામનો યુવક રૂમ નંબર 8માં રોકાયો હતો. સાંજે આશરે ચાર વાગ્યે છ જેટલા શખ્સો હોટલે પહોંચ્યા હતા અને નિલેશ પોતાનો મિત્ર હોવાનું કહી રૂમમાં મળવા ગયા હતા.

થોડીવાર સામાન્ય વાતચીત કર્યા બાદ આ તમામ શખ્સો હાથમાં છરી અને ધારીયા જેવા ઘાતક હથિયારો સાથે ફરી રૂમ નંબર 8માં ધસી ગયા હતા. આરોપીઓએ નિલેશના ગળા પર છરી મૂકી દીધી હતી અને રૂ. 25,000ની માગણી કરી હતી. ત્યારબાદ આરોપીઓએ નીચે આવી વિનોદ ડીંડોર તથા અન્ય સ્ટાફને પણ હથિયાર બતાવી ભયનો માહોલ ઊભો કર્યો હતો. જીવ જોખમમાં જણાતાં સ્ટાફે આરોપીઓને રૂ. 25,000 આપી દીધા હતા. જોકે, આરોપીઓએ વધુ પૈસા માગ્યા હતા. સ્ટાફે ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સોએ હોટલનું એલઇડી ટીવી અને મેમરી કાર્ડ ભરાવવાનો કેમેરો તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું.

તોડફોડ કરી ફરાર થયેલા ગણતરીના કલાકોમાં ઝડપાયા

​બનાવ અંગે તાત્કાલિક કૃષ્ણનગર પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં 4 આરોપીઓ સગીર હોવાનું સામે આવતાં તેમની સામે જુવેનાઇલ પ્રોસિજર મુજબ પગલાં લેવાયા છે, જ્યારે બે આરોપી પુખ્ત વયના હોવાથી વિપુલ ચૌહાણ અને ધ્રુવીન પટણીની ધરપકડ કરી છે.

આ સમાચાર શેર કરો