ભાવનગરના યુવકે મહારાષ્ટ્રમાં કોંકણકડા પર્વત પરથી ઝંપલાવી આપઘાત કર્યો, જાણો શું છે સમગ્ર મામલો

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા અને મૂળ રાજપરા (ઠાડચ)ના વતની વિશ્વરાજસિંહ મયુરસિંહ ગોહિલે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલા હરિશ્ચંદ્રગઢના કોંકણકડા પર્વત પરથી ઊંડી ખીણમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા યુવકે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે કાયદાની કલમ 498 ના કેસના કારણે જીવન ટૂંકાવી રહ્યો હોવાનો અને પુરુષો સામે થતા દુરુપયોગ અંગે કાયદો બદલવાની માગ કરી હતી.
યુવકે 13 મિનિટનો વીડિયો બનાવી ખીણમાં ઝંપલાવ્યું
મળતી વિગતો અનુસાર, વિશ્વરાજસિંહ ગોહિલ નવમી ઓક્ટોબરના રોજ કોર્ટની કાર્યવાહી પતાવીને ઘરેથી બાઈક લઈને નીકળ્યા હતા. ત્યારબાદ તે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના હરિશ્ચંદ્રગઢ પહોંચ્યા હતા. ત્યાં કોંકણકડા પર્વત પરથી ઊંડી ખીણમાં કૂદતા પહેલાં તેણે 13 મિનિટનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં તેણે આક્રોશ અને દુઃખ સાથે જણાવ્યું હતું કે, 'જો તમારે દીકરો હોય અને તેનું ભવિષ્ય ન બગાડવું હોય તો આ વીડિયો શેર કરો અને કાયદો બદલો. 498ના કેસ લોકોની જિંદગી લે છે.'
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કાકેનવાડા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી બાદ યુવકના મૃતદેહને ભાવનગર ખાતે મોકલી આપ્યો હતો.
ઘરેલુ હિંસા અને કોર્ટ કાર્યવાહીથી તણાવમાં હતો યુવક
ઉલ્લેખનીય છે કે, વિશ્વરાજસિંહના લગ્ન આઠમી ફેબ્રુઆરી, 2026ના રોજ ધારાબા સરવૈયા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સર્જાયેલા ઘરેલુ કંકાસ અને મનમુટાવ બાદ 12મી સપ્ટેમ્બરના રોજ પત્ની દ્વારા પોલીસ સમક્ષ ઘરેલુ હિંસા અંગે અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
દરમિયાન, કાળીયાબીડ સ્થિત અંજની સિટીમાં સાસરી પક્ષે વાતચીત કરવા ગયેલા વિશ્વરાજસિંહે આવેશમાં આવી પોતાના હાથની નસ કાપી લીધી હતી. આ બનાવ અંગે તેમના સસરાએ નીલમબાગ પોલીસ મથકે અરજી આપી હતી. ત્યારબાદ નવમી ઑક્ટોબરના રોજ ઘરેલુ હિંસા સંબંધિત કેસમાં વિશ્વરાજસિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટની કામગીરી પૂરી થયા બાદ તેઓ ઘરેથી બહાર જવાનું કહીને બાઈક લઈને નીકળી ગયા હતા અને મહારાષ્ટ્ર પહોંચી આ આત્યંતિક પગલું ભરી લીધું હતું. આ ઘટનાથી ભાવનગર અને રાજપરા પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.










