સુરતના લિંબાયતમાં ડબલ મર્ડરની ઘટના, મિલકત વિવાદમાં પુત્રએ માતા અને નાના ભાઈનું ઢીમ ઢાળી દીધું

સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સહજાનંદ સોસાયટીમાં એક જ પરિવારની માતા અને નાના દીકરાની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો અનુસાર, મિલકતની વહેંચણીને લઈને ચાલતા વિવાદમાં મોટા દીકરાએ જ પોતાની માતા અને નાના ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
મૃતકોની ઓળખ મલેશ્વરી અને રાજુ તરીકે થઈ છે. આ ઘટનાને પગલે તેલુગુ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક મલેશ્વરીના નામે ત્રણ દુકાનો આવેલી છે, જેમાંથી દર મહિને આશરે ₹60 હજાર જેટલું ભાડું મળતું હતું. આ મિલકત ત્રણેય દીકરાઓ વચ્ચે સરખા ભાગે વહેંચવાના મુદ્દે પરિવારમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
માતા અને નાના ભાઈનું ઢીમ ઢાળી દીધું
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, માતા મિલકતની વહેંચણી કરવા તૈયાર ન હોવાથી મોટા દીકરા શ્રીનિવાસે ઉગ્ર પગલું ભર્યું હોવાની આશંકા છે. મિલકતના વિવાદમાં માતા અને નાના ભાઈની હત્યા કરવામાં આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









