Video: ‘દારૂ ક્યારેય બંધ ન થાય, કંટ્રોલ કરી શકાય’, ઢસાના મહિલા PSIનો વીડિયો વાયરલ થતાં વિવાદ

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશનના PSI જી.ડી. આહીરનો એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં PSI જી.ડી. આહીર એવું કહેતા સંભળાય છે કે, ‘દારૂ ક્યારેય બંધ ન થાય, કંટ્રોલ કરી શકાય. કોઈપણ સરકાર આવે, પરંતુ દારૂ ક્યારેય બંધ ન થાય.’ તેમના આ નિવેદનને પગલે ચર્ચા શરૂ થઈ છે.
દારૂના દુષણને ડામવા PSIને કરાઇ હતી રજૂઆત
મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં ઢસા વિસ્તારના જલાલપુર ગામની પ્રાથમિક શાળામાં સાઇબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગામના લોકોએ દારૂના દુષણને લઈને PSI જી.ડી. આહીર સમક્ષ રજૂઆત કરી હતી. ગ્રામજનોએ ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા અંગે રજૂઆત કરી હતી. આ દરમિયાન થયેલી વાતચીતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું છે.
દારૂબંધી છતાં PSIનું નિવેદન ચર્ચાનો વિષય
વીડિયોમાં PSI જી.ડી. આહીર દારૂ ક્યારેય સંપૂર્ણપણે બંધ ન થઈ શકે, પરંતુ તેના પર નિયંત્રણ રાખી શકાય તેવી વાત કરતા સંભળાય છે. સાથે જ કોઈપણ સરકાર આવે તો પણ દારૂ સંપૂર્ણપણે બંધ ન થઈ શકે તેવું નિવેદન આપતા જોવા મળે છે. ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં પોલીસ અધિકારીના આ નિવેદનને લઈને સવાલો ઊભા થયા છે. જોકે, વાયરલ વીડિયોની સંપૂર્ણ હકીકત, નિવેદનનો સંદર્ભ અને આ મામલે પોલીસ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે અંગેની સત્તાવાર વિગતો હજી સામે આવી નથી.








