હિમાચલ પ્રદેશના મંડીમાં કાર 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી, ચાર સગીર સહિત 6ના મોત

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના જોગિંદરનગર સ્થિત લડભડોલ વિસ્તારમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. મંગળવાર રાતથી ગુમ થયેલા 6 યુવકોની કાર બુધવારે સવારે 500 મીટર ઊંડી ખીણમાં પડેલી મળી આવી હતી, જેમાં સવાર તમામ 6 યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.
સમારોહમાંથી પરત ફરતી વખતે કાળ ભરખી ગયો
પ્રાથમિક માહિતી અનુસાર લડભડોલ બજારના વેપારી પરિવારોના આ યુવકો સિમસા ખાતે એક સમારોહમાં હાજરી આપવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે લડભડોલ પેટ્રોલ પંપ નજીક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર બેકાબૂ બનીને સીધી 500 મીટર નીચે વહેતી નદીના કિનારે ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. મંગળવારે ઘરેથી નીકળેલા આ યુવકો રાત્રે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, જે બાદ બુધવારે આ દુર્ઘટનાની જાણ થઈ હતી.
મૃતકોની ઓળખ અને પરિવારમાં આક્રંદ
પધરના ડીએસપી લોકેન્દ્ર નેગીએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે તમામ મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં 18 વર્ષીય આદિત્ય, 19 વર્ષીય આયુષ ઉપરાંત યશ, પંકજ, અર્નવ અને અનુજનો સમાવેશ થાય છે, જેમાં 4 સગીર હોવાનું સામે આવ્યું છે. એકસાથે 6 આશાસ્પદ યુવકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ઘટનાસ્થળે પરિવારજનોના હૈયાફાટ રુદનથી શોકનો માહોલ છવાયો છે. લડભડોલ પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ
આ ગમખ્વાર દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત હિમાચલ પ્રદેશની વિધાનસભામાં પણ પડ્યા હતા. શિયાળુ સત્ર દરમિયાન આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કરીને ગૃહની કાર્યવાહી નિર્ધારિત સમય કરતા 10 મિનિટ વહેલી સ્થગિત કરી દેવામાં આવી હતી. જોગિંદરનગરના ધારાસભ્ય પ્રકાશ રાણાએ પણ આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવીને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.










